પંજાબમાં આઇઇડી સાથે 2 આતંકવાદી પકડાયાઃ બંને ગોલ્ડી બરાર અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા

ચંદીગઢઃ પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું હતું કે, એક આતંકી મોડ્યૂલના બે સભ્યોની આરડીએક્સ યુક્ત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) સાથે ધરપકડ કરવામાં આવી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ જગ્ગા સિંહ અને મનજિંદર સિંહ તરીકે થઈ છે.
યાદવે જણાવ્યું હતું કે તેઓ જર્મની સ્થિત ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ઢિલ્લો દ્વારા સંચાલિત આતંકવાદી મોડ્યુલના મુખ્ય સભ્યો છે. ઢિલ્લો ગોલ્ડી બરાર-લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે.
આપણ વાંચો: પંજાબ પોલીસે ‘આતંકવાદી મોડ્યુલ’નો કર્યો પર્દાફાશ, ત્રણ જણ ઝડપાયા…
તેમણે ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફિરોઝપુરે મોટી સફળતા મેળવી અને જર્મની સ્થિત ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ઢિલ્લો દ્વારા સંચાલિત આતંકવાદી મોડ્યુલના જગ્ગા સિંહ અને મનજિન્દર સિંહની ધરપકડ કરીને પ્રદેશમાં શાંતિ અને સુમેળને ખલેલ પહોંચાડવાના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.
ડીજીપીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પાસેથી 1.6 કિલો આરડીએક્સ ધરાવતું 2.8 કિલો આઇઇડી અને એક રિમોટ કંટ્રોલ જપ્ત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આઇઇડી આતંકવાદી હુમલા માટે બનાવવામાં આવ્યું હતું. યાદવે જણાવ્યું હતું કે એનઆઇએ એ ઢિલ્લો પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમ હેઠળ કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.