1962ના યુદ્ધમાં ચીને ભારતની 38,000 ચો.કિ.મી. જમીન પચાવી: સંસદમાં સરકારનો ખુલાસો

નવી દિલ્હીઃ 1962ના ચીન અને ભારત વચ્ચેના યુદ્ધના અંતમાં ચીને લગભગ 38,000 ચોરસ કિલોમીટરના ભારતીય પ્રદેશ પર ગેરકાયદે કબજો કર્યો હતો, એમ સરકારે સંસદમાં આ જાણકારી આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એમ પણ કહ્યું હતું કે ઉકેલાયા ન હોય તેવા સરહદી પ્રશ્નના સમાધાન માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સાથે દ્વિપક્ષીય સ્તર પર અનેક વખત ચર્ચા કરવામાં આવી છે.
ચીન સાથે કોઈ રાજદ્વારી પ્રયાસો અથવા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા
વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત સરકાર પાસે “1962ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન ચીન દ્વારા કબજે કરાયેલા ક્ષેત્રો વિશે કોઈ આંકડા છે. અને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું 1962 યુદ્ધ પછી અને યુદ્ધ દરમિયાન ગુમાવેલા આવા પ્રદેશોને પાછા મેળવવા માટે ચીન સાથે કોઈ રાજદ્વારી પ્રયાસો અથવા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે અને ઉપરોક્ત વાટાઘાટો ક્યાં સુધી આગળ વધી છે.
આ પણ વાંચો : ભારત-ચીન સંબંધોમાં સુધારો: પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા મળશે
ચીને 38,000 ચો. કિ.મી. ભારતીય પ્રદેશ પર ગેરકાયદે કબજો કર્યો
સિંહે કહ્યું હતું કે “1962ના યુદ્ધના અંતમાં ચીને આશરે 38,000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર ગેરકાયદે કબજો કર્યો હતો. જૂન 1981માં ચીનના તત્કાલિન વિદેશ મંત્રી હુઆંગ હુઆની ભારતની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચે ડિસેમ્બર 1981થી નવેમ્બર 1987 દરમિયાન સચિવ સ્તરે સરહદ મામલે ઔપચારિક વાટાઘાટોના “આઠ રાઉન્ડ” યોજાયા હતા
સંયુક્ત કાર્યકારી જૂથોએ 1989 અને 2005 વચ્ચે 15 વખત વાતચીત કરી
તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીની 19-23 ડિસેમ્બર, 1988 દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને પક્ષોએ સરહદ મામલે ભારત-ચીન સંયુક્ત કાર્યકારી જૂથની રચનાની જાહેરાત કરી હતી. સંયુક્ત કાર્યકારી જૂથોએ 1989 અને 2005 વચ્ચે કુલ 15 વખત વાતચીત કરી હતી.
આ પણ વાંચો : સરહદ વિવાદ મુદ્દે ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, આ મુદ્દાઓ પર બની સહમતી!
2005માં ‘ભારત-ચીન સીમા પ્રશ્નના સમાધાન માટે કરાર કર્યા
તેમણે સંસદને વધુમાં માહિતી આપી હતી કે 22-27 જૂન 2003 દરમિયાન તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને પક્ષોએ એકંદર દ્વિપક્ષીય સંબંધોના રાજકીય દ્રષ્ટિકોણથી સીમા સમાધાનની રૂપરેખા તૈયાર કરવા માટે ખાસ પ્રતિનિધિઓની નિમણૂકની જાહેરાત કરી હતી. વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટોના પ્રથમ પાંચ રાઉન્ડના આધારે બંને પક્ષોએ 11 એપ્રિલ, 2005ના રોજ ‘ભારત-ચીન સીમા પ્રશ્નના સમાધાન માટે રાજકીય માપદંડો અને માર્ગદર્શક સિદ્ધાંતો પર કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા.
અંતિમ બેઠક 18 ડિસેમ્બર, 2024ના રોજ બીજિંગમાં યોજી હતી
ત્યાર બાદ 2012 સુધી 10 વખત વાટાઘાટો યોજાઈ હતી જેના અંતે બંને પક્ષોએ ડિસેમ્બર 2012માં ‘સીમા પ્રશ્નના સમાધાનની રૂપરેખા પર ભારત અને ચીનના ખાસ પ્રતિનિધિઓ વચ્ચેની ચર્ચાઓની સામાન્ય સમજ’માં સર્વસંમતિ સધાઈ હતી. ત્યાર બાદ વધુ આઠ વખત વાટાઘાટો થઈ હતી જેમાં અંતિમ બેઠક 18 ડિસેમ્બર, 2024ના રોજ બીજિંગમાં હતી.