છત્તીસગઢમાં ૧૮ નક્સલવાદીએ કર્યું આત્મસમર્પણ
દંતેવાડા: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી પ્લાટૂન સેક્શન કમાન્ડર અને ત્રણ મહિલા સહિત ૧૮ નક્સલવાદીએ બુધવારે આત્મસમર્પણ કર્યું હતું. દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે હિદમા ઓયમ (૩૪) હુર્રેપાલ પંચાયત મિલિશિયા પ્લાટૂનની સેક્શન કમાન્ડર તરીકે કામ કરતો હતો.
ત્રણેય મહિલાની ઓળખ સંબતી ઓયમ (૨૩) જે ડેપ્યુટી કમાન્ડર તરીકે કામ કરતી હતી, પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના કાકાડી પંચાયત ક્રાંતિકારી મહિલા આદિવાસી સંગઠનની ઉપાધ્યક્ષ ગાંગી મડકામ (૨૮) અને હુર્રેપાલ પંચાયતના સભ્ય હૂંગી ઓયમ (૨૦), તરીકે થઈ છે
તેમણે કહ્યું કે ૧૮ નક્સલીએ પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની સામે શસ્ત્રો મૂક્યા હતા. તેઓ દક્ષિણ બસ્તરમાં માઓવાદીઓની ભૈરમગઢ અને મલંગર વિસ્તાર સમિતિઓનો ભાગ હતા.
નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું કારણ કે તેઓ પોલીસના પુનર્વસન અભિયાન ‘લોન વરરાતુ’થી પ્રભાવિત થયા હતા અને માઓવાદી વિચારધારાથી નિરાશ થયા હતા.
એસપીએ જણાવ્યું હતું કે આ કેડરોને રસ્તાઓ ખોદવાનું, નક્સલવાદીઓ દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન રસ્તાઓ બ્લોક કરવા માટે વૃક્ષો કાપવાનું અને પોસ્ટરો અને બેનરો લગાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓને સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ સાથે, ૭૩૮ નક્સલવાદીઓ, જેમાંથી ૧૭૭ના માથા પર પુરસ્કાર જાહેર કરાયા હતા, તેઓ અત્યાર સુધીમાં દંતેવાડા જિલ્લામાં મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.