છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

દંતેવાડાઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે ૧૨ નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી નવ નક્સલીઓના માથા પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઇનામ હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલા ‘લોન વર્રાતુ’ (ગોંડી બોલીમાં જેનો અર્થ તમારા ઘરે/ગામ પાછા ફરો એવો થાય છે) અભિયાન હેઠળ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧,૦૦૫ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં ૨૪૯ નક્સલીઓના માથે ઇનામ રાખવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે દંતેવાડા પોલીસના ‘લોન વર્રાતુ’ અભિયાન હેઠળ આત્મસમર્પણ કરનારા માઓવાદીઓની સંખ્યા ૧૦૦૦નો આંકડો પાર કરી ગઇ છે. આ સિદ્ધિ સરકારની દૂરંદેશી નીતિઓ, સુરક્ષા દળોની સતત કાર્યવાહી અને સ્થાનિક સમુદાયોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો: છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૮ નક્સલીએ આત્મસમર્પણ કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે આ માઓવાદીઓની ખોખલી વિચારધારાને કારણે ભટકી ગયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાની સરકાર અને વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
તેમણે કહ્યું કે બે મહિલાઓ સહિત ૧૨ કેડરોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે પ્રતિબંધિત સંગઠનની અંદર વધતા મતભેદો, કઠોર વન જીવન અને ખોખલી માઓવાદી વિચારધારા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.