ઝીરો વેસ્ટઃ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ભેગો થયો 100 ટનથી વધુ કચરો
મુંબઈ: વિશ્વવિખ્યાત કોલ્ડ પ્લેના નવી મુંબઈમાં થયેલા કોન્સર્ટ દરમિયાન `ઝીરો વેસ્ટ’ અભિયાન શરૂ કરનારી નવી મુંબઈ મહાપાલિકાએ કાર્યક્રમ વિસ્તારમાંથી 100 ટનથી વધુ કચરો જમા કર્યો છે. કાર્યક્રમના ત્રણ દિવસમાં ડો. ડી.વાય. પાટીલ સ્ટેડિયમની બહાર 82 ટન ભીનો અને સૂકો કચરો જમા થયો હતો.
જોકે આયોજકોએ કાર્યક્રમ સ્થળના વિસ્તારમાંથી 20 ટન કચરો ઊંચક્યો હતો. ખાનગી કાર્યક્રમમાં થયેલા કચરાનો ભાર નવી મુંબઈ મહાપાલિકાએ ઉઠાવવો પડ્યો, જેને કારણે પર્યાવરણપ્રેમીઓએ આ અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.
75 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા નેરુળના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ 18, 19 અને 21 જાન્યુઆરીએ ખીચોખીચ મેદની જમા થઇ હતી. અહીં નવી મુંબઈ કે મુંબઈની જ નહીં દેશઆખાના કોલ્ડ પ્લેના ચાહકો અહીં આવ્યા હતા. જોકે સંગીતરસિયાઓ દ્વારા સૌથી વધુ અહીં ઠાલવવામાં આવ્યો હતો. આને કારણે સ્વચ્છ-સુંદર શહેર તરીકેની ઓળખ ધરાવતું નવી મુંબઈ શહેર અસ્વચ્છ થઇ ગયું હતું.
આપણ વાંચો: કોલ્ડપ્લેના કોન્સર્ટની ટીકિટનું બ્લેક માર્કેટિંગ:ઉદ્ધવ ઠાકરે જૂથની તપાસની માગણી…
કચરામાં ખાદ્ય પદાર્થનાં ખાલી પેકેટ્સ, પીવાનાં પાણીની બોટલો, ટિનના ડબ્બા, ખાદ્ય પદાર્થના પ્લાસ્ટિકના ડબ્બા અને કાગળોનો સમાવેશ થતો હતો. આ બધો કચરો ભેગો કરીને તેને તુર્ભે ખાતેના ડંપિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો.
જોકે કાર્યક્રમ દરમિયાન કચરો ભેગો થતાં પર્યાવરણપ્રેમીઓ નારાજ થયા હતા. આટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા તો અહીં જમા થયેલા કચરાને આયોજકોએ જ ઉઠાવવા માટે આગળ આવવું જોઇતું હતું. પાલિકાએ પણ તેના વિવિધ વિકલ્પો સૂચવવા જરૂરી હતા. સુંદર અને સ્વચ્છ શહેરમાં આટલી મોટી માત્રામાં કચરો પહેલી વાર જોવા મળ્યો હતો, એવું એક પર્યાવરણપ્રેમીએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું.