કફ પરેડમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ
મુંબઈ: કફ પરેડ વિસ્તારમાં 23 વર્ષની યુવતીને ગાળો ભાંડવા અને તેને આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી. આરોપીની ઓળખ વિકી સેલ્વન નાયડુ તરીકે થઇ હોઇ તે મૃતકને એકતરફી પ્રેમ કરતો હતો.
કફ પરેડમાં રહેતી અને કોલાબા વિસ્તારમાં બ્યુટિ પાર્લરમાં કામ કરતી નીતુ વાલ્મીકિ (32) નામની યુવતીએ 5 એપ્રિલે ગળાફાંસો ખાધો હતો, જેને પગલે તેને સરકારી હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવી હતી. નીતુના માથામાં ઇજાના નિશાન હતા. નીતુની માતાને જાણવા મળ્યું હતું કે નીતુનો વિકી નાયડુ નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જેથી તેણે આ પગલું ભર્યું હતું. આથી તેમણે કફ પરેડ પોલીસ સ્ટેશનમાં વિકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બીજે દિવસે સારવાર દરમિયાન નીતુનું મૃત્યુ થયા બાદ પોલીસે વિકી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે વિકી નાયડુ નીતુને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. 5 એપ્રિલે તેણે નીતુને ગાળો ભાંડી તેની મારપીટ કરી હતી. આથી તેણે આત્મહત્યા કરી હતી.