આમચી મુંબઈસ્પોર્ટસ

ભારતીય ટીમનો ઓપનીંગ બેટર હોસ્પિટલમાં દાખલ! સીટી સ્કેન, USG કરવામાં આવ્યું

મુંબઈ: તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ODI મેચમાં ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે તેની કરિયરની પહેલી સદી ફટકારી હતી. હાલ ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે મુંબઈ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગઈ કાલે પુણેમાં રાજસ્થાન સામેની મેચમાં યશસ્વી જયસ્વાલને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

એક વરિષ્ઠ પત્રકારે X પર કરેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે મેચ દરમિયાન જયસ્વાલને પેટમાં ક્રેમ્પ આવ્યો હતો. તેને પિંપરી-ચિંચવડમાં આવેલી આદિત્ય બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ડોકટરોએ જણાવ્યું કે તેને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસની તકલીફ થઇ છે.

અહેવાલ મુજબ જયસ્વાલને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં, અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી) અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. ત્યારથી તેને તેની દવા ચાલુ રાખવા અને પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

જીત છતાં મુંબઈની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર:
અહેવાલ મુજબ મેચ પહેલા જ જયસ્વાલની તબિયત ઠીક ન હતી, છતાં તે મેચ રમવા ઉતર્યો હતો. રાજસ્થાને મુંબઈને 217નો ટાર્ગેટ આપ્યો હતો, જયસ્વાલ 16 બોલમાં 15 બનાવીને આઉટ થયો. અજિંક્ય રહાણેએ અણનમ 72 રન અને સરફરાઝ ખાને 22 બોલમાં 73 ની શાનદાર ઇનિંગ રમીને મુંબઈને જીત અપાવી હતી. આ જીત છતાં મુંબઈની ટીમ SMAT ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

મેચ પત્યા બાદ તબિયત લથડી:
મેચ પત્યા બાદ જયસ્વાલની તબિયત વધુ લથડી હતી. અત્યંત દુખાવો થતાં મેડીકલ સારવાર લેવી પડી. BCCI એ હજુ સુધી જયસ્વાલના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં BCCI અપડેટ આપી શકે છે.

SMATમાં શાનદાર પ્રદર્શન:
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જયસ્વાલ સારા ફોર્મ દેખાઈ રહ્યો હતો. તેને ત્રણ મેચમાં 48.33 ની સરેરાશ અને 168.6 ના સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ODIમેચની સિરીઝમાં 156 રન બનાવ્યા, તેણે એક સદી પણ ફટકારી હતી.

હાલ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ રમી રહી છે, યશસ્વી જયસ્વાલ આ સિરીઝમાં નથી રમી રહ્યો. 11 જાન્યુઆરીએ સામે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI મેચ તે રમતો જોવા મળી શકે છે.

આપણ વાંચો:  મુંબઈના ૧.૦૩ કરોડ મતદાતા નક્કી કરશે મહાનગરપાલિકાનું ભાવિ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button