થાણેમાં ૧૫ કલાક બાદ ક્રેડલ લિફ્ટમાં ફસાયેલા કામદારનો હેમખેમ બચાવ

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારતમાં ૩૯ વર્ષીય કામદાર લટકતી ક્રેડલ લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને બુધવારે સવારે ૧૫ કલાક પછી તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે કોલકાતાનો વતની કામદાર મંગળવારે બપોરે ૩ વાગ્યે માજીવાડા વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલી ઇમારતના ૨૧મા માળે અચાનક વીજળી ગુલ થવાથી ફસાઈ ગયો હતો.
આપણ વાંચો: બે દિવસ સુધી હોટેલના રૂમમાં બ્લેક આઉટને કારણે ફસાઈ ગઈ આ એક્ટ્રેસ, જણાવ્યો પોતાનો અનુભવ…
બાંધકામ સ્થળ પરથી માહિતી મળ્યા બાદ બાલ્કમ ફાયર સ્ટેશન દ્વારા આજે સવારે ૨.૦૨ વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને એસઓએસ સૂચના આપવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ સવારે ૪ વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે વીજળી ગુલ થવાને કારણે લિફ્ટ બંધ હતી, અને તેમને જાણ કરવામાં આવી હતી કે વીજ કર્મચારીઓ હડતાળ પર હોવાથી મદદ મળવામાં વિલંબ થયો છે. ત્યાર બાદ ખાનગી જનરેટરની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.
“૩૦ મિનિટની અંદર, એક જનરેટર સ્થળ પર લાવવામાં આવ્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમ, પોલીસ, ફાયર બ્રિગેડ, વીજળી કંપનીના સ્ટાફ અને જનરેટર ક્રૂના સંકલિત પ્રયાસોથી સવારે ૬ વાગ્યે ફસાયેલા કામદારને સુરક્ષિત રીતે નીચે ઉતારાયો,” એમ તડવીએ જણાવ્યું હતું.