એક્સકેવેટરમાં ફસાઈ જતાં મહિલાના મૃત્યુને કારણે કર્મચારીઓ હિંસક બન્યા

થાણે: કચરો છૂટો પાડવાની કામગીરી દરમિયાન એક્સકેવેટરમાં ફસાઈ જવાને કારણે મહિલાએ જીવ ગુમાવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરી 14 ડમ્પરની તોડફોડ કરી હતી. તોડફોડ અને કથિત દંગલ મચાવવા બદલ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સી. પી. તળાવ ખાતેના કચરા વિઘટન કેન્દ્રમાં 31 માર્ચે બનેલી ઘટનામાં રાજશ્રી જાધવનું મૃત્યુ થયું હતું. આ કેન્દ્રમાં લગભગ 50 મહિલા કામ કરતી હતી ત્યારે એક ડમ્પરે જાધવને ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કરને કારણે મહિલા એક્સકેવેટરમાં ફસાઈ ગઈ હતી.
આપણ વાંચો: Gujarat Accident: અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા, જાણો વિગતે…
પોલીસ ફરિયાદ અનુસાર આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. બાદમાં મશીનના ઑપરેટરે કહેવાય છે કે એક્સકેવેટર બકેટથી મહિલાનો મૃતદેહ ઉપાડી ડમ્પરમાં નાખ્યો હતો. ઘટના સમયે હાજર લોકોમાં આ દૃશ્ય જોઈને રોષ ભભૂકી ઊઠ્યો હતો.
રોષે ભરાયેલા આઠથી વધુ લોકોએ ડમ્પરો અને સ્પ્રેઈંગ મશીનો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 14 ડમ્પરને નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
થાણે મહાનગરપાલિકાના સેનિટરી ઈન્સ્પેક્ટરની ફરિયાદને આધારે પોલીસે બીજી એપ્રિલે એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મહિલાના મૃત્યુ પ્રકરણે એક્સકેવેટર ડ્રાઈવર મોહમ્મદ સનાઉલ્લાહ ફારૂક વિરુદ્ધ પણ શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)