શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલાએ 24.7 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: ઑનલાઈન શૅર ટ્રેડિંગ ફ્રોડમાં થાણેની મહિલાએ 24.7 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવતાં પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી પાંચમી ઑગસ્ટથી 28 ઑગસ્ટ દરમિયાન થઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અજાણી વ્યક્તિએ વારંવાર ફરિયાદીનો સંપર્ક સાધી તેને ઑનલાઈન રોકાણની જાળમાં સપડાવી હતી.
મહિલાને વિવિધ વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. ગ્રૂપમાં શૅર ટ્રેડિંગમાં નફાની માહિતી આપી મહિલાને રોકાણ કરવા લલચાવાઈ હતી. આ માટે મહિલાને વેબસાઈટ અને ટ્રેડિંગ તેમ જ રોકાણ માટે એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.
આકર્ષક વળતરની લાલચમાં મહિલાએ 24.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિલાએ રોકાણ કરેલી રકમ અને વળતરનાં નાણાં કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. નાણાં ન કઢાવી શકનારી મહિલાનો આરોપી સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ મહિલાને થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મહિલાની ફરિયાદને આધારે નૌપાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)
આ પણ વાંચો…શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રોકાણકારોએ ગુમાવ્યા 1.23 કરોડ રૂપિયા: ત્રિપુટી વિરુદ્ધ ગુનો