ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી મહિલા, તેની દીકરી પર હુમલો

થાણે: થાણે જિલ્લામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી 38 વર્ષની મહિલા અને તેની પુત્રી પર પડોશીઓએ હુમલો કર્યો હતો. ડોંબિવલીમાં સપ્તાહની શરૂઆતમાં આ ઘટના બની હતી અને મહિલા પર હુમલો કરવા બદલ ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોપીઓ ગાંજો સપ્લાય કરતા હોવાથી મહિલાએ વિરોધ કર્યો હતો. આથી રોષે ભરાયેલા આરોપીઓએ મહિલાને ગાળો ભાંડી હતી અને બાંબુ તથા સળિયાથી તેના પર હુમલો કર્યો હતો. મહિલાની દીકરીના પણ વાળ ખેંચી તેને ઘસડી હતી અને તેને માર માર્યો હતો.
આપણ વાંચો: વડોદરાઃ રક્ષિત ચૌરસિયા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, અકસ્માતના દિવસે કર્યું હતું ગાંજાનું સેવન…
આ ઘટના બાદ મહિલાએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)