કૅન્સરના ઉપચાર માટેના રિસર્ચને બહાને મહિલાએ નવ કરોડ રૂપિયા પડાવ્યા

મુંબઈ: ડૉક્ટરના સ્વાંગમાં મહિલાએ કૅન્સરની સારવાર માટેના ક્લિનિકલ રિસર્ચમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 9.68 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અંધેરીમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે આ મામલે આરોપી શહનિલા અહતિશામ સૈયદ વિરુદ્ધ મંગળવારે ગુનો નોંધ્યો હતો. ઑક્ટોબર, 2023થી સપ્ટેમ્બર, 2024 દરમિયાન કથિત છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં જણાવાયા અનુસાર સૈયદે પોતાની ઓળખ ડૉક્ટર તરીકે આપી હતી. નવી મુંબઈની એક મેડિકલ કૉલેજમાં પોતે કૅન્સરના ઉપચાર માટેનું ક્લિનિકલ રિસર્ચ કરતી હોવાથી એ પ્રોજેક્ટમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચ આરોપીએ આપી હતી.
આપણ વાંચો: પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાને નામે પિતા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
રોકાણ કરેલી મૂડી ટૂંકા સમયગાળામાં ડબલ કરી આપવાની સાથે ચારથી પાંચ ટકા વળતરની લાલચ આરોપીએ આપતાં ફરિયાદીએ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ તેનાં અલગ અલગ બૅન્ક ખાતાંમાં લગભગ 10 કરોડથી વધુ રૂપિયા સ્વીકાર્યા હતા. બાદમાં ફરિયાદીનો વિશ્ર્વાસ જાળવી રાખવા તેના બૅન્ક ખાતામાં વળતર પેટે 1.18 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા.
જોકે બાદમાં ફરિયાદીને વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. પરિણામે પૂછપરછ કરતાં આરોપી તરફથી ઉડાઉ જવાબ મળતા હતા. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.