મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
મુંબઈ: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખ સુધી પહોંચી છે. રસ્તા પરના ખાડા, ટ્રાફિકજામ જેવી સમસ્યાને કારણે લોકો મોટા ભાગે ટુ-વ્હીલરની વધુ પસંદગી કરતા હોય છે. ૪૮ લાખ વાહનમાંથી ટુ-વ્હીલરની સંખ્યા ૨૯ લાખ છે. શહેરના દરેક આરટીઓમાંથી તાડદેવના આરટીઓમાં સૌથી વધુ વાહનોની નોંધણી કરવામાં આવી છે, પરંતુ વધતી વાહનોની સંખ્યાથી પ્રદૂષણ સહિત ટ્રાફિકની સમસ્યા આગામી દિવસોમાં વધુ વકરશે, એણ નિષ્ણાતોએ ચીમકી આપી હતી.
હાલમાં રસ્તાના ખાડા અને ટ્રાફિકજામ વાહનચાલકોનો માથોનો દુખાવો બન્યો છે. પૂર્વ અને પશ્ર્ચિમ હાઇવે, ફ્રી-વે, એલબીએસ રોડ એમ શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા હોવાને કારણે વાહનચાલકોને ઘણું સહન કરવું પડતું હોય છે. આ સિવાય પાર્કિંગ પણ એક મોટી સમસ્યા બની રહે છે. તેની માટે પણ ‘પૅ એન્ડ પાર્ક’ દ્વારા વધુ ચાર્જ લેવામાં આવતો હોય છે.
લોકલ, મેટ્રોના કામકાજને કારણે હાલમાં રોડ પ્રવાસ કરવો અઘરો પડી રહ્યો છે. આરામથી પ્રવાસ કરવાના ઇરાદાથી લોકો વાહન ખરીદતા હોય છે, પરંતુ ટ્રાફિકમાં ફસાઇને તેમનો ઘણો સમય વેડફાતો હોય છે.
આ પણ વાંચો: ‘અટલ સેતુ’ને લાગી ‘નજર’?: વાહનચાલકોની સંખ્યા ઘટી કે કારણ શું?
તાડદેવમાં સૌથી વધુ નોંધણી
શહેરમાં સૌથી વધુ ૧૪ લાખ વાહનની નોંધણી તાડદેવ આરટીઓમાં થઇ છે. તાડદેવ પોશ એરિયો હોવાથી અહીં સૌથી મોંઘા વાહનોની નોંધણી થતી હોય છે. સૌથી ઓછા વાહનોની નોંધણી બોરીવલી આરટીઓમાં કરાઇ હતી. આ સિવાય વડાલા આરટીઓમાં ૧૩ લાખ અને અંધેરી આરટીઓમાં ૧૧ લાખ વાહનનું રજિસ્ટ્રેશન કરાયું હતું.
મુંબઈમાં વાહનોની સંખ્યા
ટુ-વ્હીલર – ૨૯ લાખ
ખાનગી કાર – ૧૪ લાખ
અન્ય વાહનો – ૫ લાખ
કુલ વાહનો – ૪૮ લાખ