Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે રાજ્યની સત્તાધારી પાર્ટીઓની સાથે વિરોધી પક્ષો પણ સક્રિય છે ત્યારે રાજ્યમાં અનામતનો મુદ્દે રાજકારણ વધુ ગરમાઈ શકે છે. અનામતના મુદ્દે જે રાજકીય પક્ષોનું વલણ સ્પષ્ટ નથી એમની સાથે વંચિત બહુજન મોરચો વાટાઘાટ નહીં કરે એવી સ્પષ્ટતા પ્રાધ્યાપક સોમનાથ સાળુંખે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે એ વાતાવરણમાં બહુજન મોરચો અને સ્વાભિમાની શેતકરી સંઘટન વચ્ચે યુતિ થાય તો મહારાષ્ટ્રમાં રાજકીય ચિત્ર પલટાઈ જાય એવું કહેવામાં આવી રહ્યું છે.
અલબત્ત વંચિત બહુજન સમાજ અને મહાવિકાસ મોરચા વચ્ચે કશોક અણબનાવ થયો છે. પરિણામે મહા વિકાસ બહુજન મોરચો (એમવીએ) કોની સાથે જોડાણ કરશે તેના પર રાજકીય નિરીક્ષકો નજર રાખી રહ્યા છે. વંચિત બહુજન મોરચો (વીબીએ) વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના કેટલાક પક્ષો સાથે વાતચીત કરી રહ્યો છે.
આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો
વીબીએના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર સોમનાથ સાળુંખેએ જણાવ્યું હતું કે સ્વાભિમાની શેતકરી સંઘટનના નેતા રાજુ શેટ્ટીએ વંચિત બહુજન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ બાળાસાહેબ આંબેડકર સાથે બેઠક યોજી હતી.
વધુ જાણકારી આપતા સાળુંખેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજુ શેટ્ટીના સ્વાભિમાની શેતકરી સંગઠન અને અન્ય ખેડૂત સંગઠનો વચ્ચે જોડાણની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે.
વામનરાવ ચટક અને શંકરરાવ ધોંડગે પાટીલના સંગઠનો સાથે રાજુ શેટ્ટીના જોડાણની જાહેરાત કરવામાં આવી છે. વંચિત બહુજન મોરચાએ ગોંડવના પાર્ટી અને ભારતીય આદિવાસી સંઘ જેવા વિવિધ રાજકીય પક્ષોના સંગઠનો સાથે જોડાણની જાહેરાત કરી છે.