કૃત્રિમ વરસાદ પાડવાનો સુધરાઈનો મનસૂબો પાર પડશે?
આંતરરાષ્ટ્રીય સ્તરથી કોઈ પ્રતિસાદ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ)ની યોજના હાથ ધરી છે, તે માટે બહાર પાડેલા ટેન્ડર માટે વૈશ્ર્વિક સ્તરે કોઈ બિડર આગળ નહીં આવતા પાલિકાએ બિડ સબમીટ કરવાની અંતિમ તારીખને લંબાવીને ૨૨ ડિસેમ્બર,૨૦૨૩ કરી નાખી છે. હાલ પાલિકાને ફક્ત ચાર બિડ મળી હતી, જેમાંથી ત્રણ બેંગ્લોર સ્થિત કંપની તરફથી અને એક નવી મુંબઈ સ્થિત કંપનીની છે.
પાલિકાએ ૩૦ નવેમ્બરના મુંબઈમાં ક્લાઉડ સીડિંગ હાથ ધરવા માટે કંપનીઓ પાસેથી ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (કામમાં રસ ધરાવતી કંપનીઓને આમંત્રણ)ને આમંત્રણ આપ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ક્લાઉડ સીડિંગ હાથ ધરવાનો અનુભવ ધરાવતી પ્રતિષ્ઠિત કંપનીને ૧૪ ડિસેમ્બર સુધીમાં તેમની બિડ સબમીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે પાલિકાને ફક્ત ચાર બિડ મળી હતી, જેમાંથી બેંગ્લોર સ્થિત ત્રણ બિડરો આવશ્યક દસ્તાવેજો સબમીટ કરવામાં નિષ્ફળ ગયા હતા.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ થોડા વર્ષો અગાઉ મુંબઈમાં ક્લાઉડ સીડિંગનો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. તેથી આ વખતે સારા પરિણામ મળે તે માટે પ્રતિષ્ઠિત અનુભવી કંપનીઓ આગળ આવે તેવી અપેક્ષા છે. ઉપરાંત જે ત્રણ બિડરોે તેમના દસ્તાવેજો સબમીટ કરી શક્યા નથી, તેમને દસ્તાવેજો સબમીટ કરવા માટે સમય કરવાનો સમય આપવામાં આવશે. તેથી બિડ સબમીટ કરવા માટેની મુદત એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા મુજબ જ્યારે પણ શહેરમાં વાયુ પ્રદૂષણમાં વધારો થશે ત્યારે અને પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે પસંદ કરવામાં આવેલી કંપનીએ ક્લાઉડ સીડિંગ કરવાનું રહેશે.
નોંધનીય છે કે મુખ્ય પ્રધાનના શિંદેના નિર્દેશ બાદ પાલિકા દુબઈ સ્થિત કંપની સાથે વાતચીત કરી રહી છે, જે આ ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. કલાઉડ સીડિંગ એક ટેક્નિક છે. જેનો હેતુ કૃત્રિમ રીતે વરસાદ પાડવાનો છે. અગાઉ ૨૦૦૯માં તાનતા અને મોડક સાગરમાં પાણીની સપાટી વધારવા માટે કલાઉડ સીડિંગનો પહેલી વખત કરવામાં આવેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.