ભુજબળ ભાજપ સાથે જશે કે પછી અજીત પવાર સાથે જ રહેશે?, એનસીપીના નેતાનું મોટું નિવેદન
મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા છગન ભુજબળ કેબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ છે, તેઓ ઓબીસી સમુદાયના સંગઠનો, મોરચા અને સંસ્થાઓની બેઠકો કરી રહ્યા છે.
એક તરફ છગન ભુજબળ સતત અજિત પવારની ટીકા કરી રહ્યા છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ છગન ભુજબળ નવો મોરચો બાંધતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે એનસીપીના એક સિનિયર નેતાએ સમગ્ર પરિસ્થિતિ પર પોતાનો પક્ષ માંડ્યો હતો.
કેબિનેટમાં ભાજપના હિસ્સામાંથી એક પ્રધાન પદ ખાલી છે. નારાજ છગન ભુજબળ પ્રધાનપદ મેળવવા માટે ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે અને આ માટે છગન ભુજબળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા એવા અહેવાલો રાજકીય વર્તુળોમાં ફરી રહ્યા છે.
આપણ વાંચો: છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉકેલ શોધવા માટે આઠથી દસ દિવસમાં ફરી મળવાનું વચન આપ્યું છે. આ અંગેની માહિતી ખુદ છગન ભુજબળે આપી હતી. અજિત પવારના એનસીપીના સિનિયર નેતા અને ભુજબળનું જ ખાતું મેળવનારા નરહરિ ઝિરવાળે છગન ભુજબળની નારાજગીના પ્રકરણને લઈને મહત્વની વાત કરી હતી.
હું છગન ભુજબળને મળ્યો હતો, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રધાનપદું ન આપવામાં આવ્યું તેનાથી નહીં, પરંતુ તેમની સાથે જે રીતનું વર્તન કરવામાં આવ્યું તેનાથી તેઓ નારાજ હતા. તેમણે કહ્યું હતું કે વર્તણુંક સારી રીતે કરવામાં આવી નથી. તેના પર મેં તેમને કહ્યું કે તમે મોટા છો, અમારા માટે અલગ નિર્ણય ન લો.
આપણ વાંચો: ઉતાવળે કોઈ નિર્ણય નહીં, ઓબીસી નેતાઓને મળીશ: છગન ભુજબળ…
મેં કહ્યું કે રાજ્યસભા આપવા માટે ચર્ચા છે તો તેમણે નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હવે જનતાએ મારા પર વિશ્ર્વાસ દેખાડીને વિધાનસભામાં મોકલ્યો ત્યારે હવે તેઓ મને રાજ્યસભામાં મોકલી રહ્યા છે, એમ નરહરી ઝિરવાળે કહ્યું હતું.
છગન ભુજબળે ‘જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ એવું સૂચક નિવેદન કર્યા બાદ રાજ્યમાં તેમની નારાજગી ચર્ચાનો વિષય છે. છગન ભુજબળ કોઈ અલગ જવાનો વિષય છે ત્યારે નરહરી ઝિરવાળે કહ્યું હતું કે ભુજબળ ભાજપમાં જોડાય એવી કોઈ શક્યતા નથી, તેઓ અજિત પવારની સાથે જ રહેશે.