મહારાષ્ટ્રના સીએમે કેમ રોક્યો કાફલો?: બોડીગાર્ડ પર કેમ વરસી પડ્યા એકનાથ શિંદે?
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ફોટો પડાવવા માટે કાયમ કાર્યકર્તાઓની ભીડ ભેગી થતી હોય છે. શિંદે સાથે ફોટો પડાવવા કાર્યકર્તાઓની લાંબી લાંબી કતારો લાગે છે ત્યારે આવા જ એક કાર્યકર્તાની જીદ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેના ખાનગી નિવાસસ્થાને તેમના કાફલાને રોક્યો હતો. આ કાર્યકર્તા સાથે એકનાથ શિંદેએ ફોટો પડાવ્યો. જોકે ફોટો પડાવતી વખતે કાર્યકર્તાઓને હટાવી રહેલા બોડીગાર્ડ પર એકનાથ શિંદે ભડકી ગયા હતાં. તેમણે આ બોડીગાર્ડને ખખડાવી નાંખ્યો હતો ત્યાર બાદ શિંદેનો કાફલો મુંબઇની દિશામાં આગળ વધ્યો હતો.
મળતી વિગતો અનુસાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણેના લુઇસવાડીના ખાનગી નિવાસસ્થાનેથી બહાર આવી રહ્યાં હતાં ત્યારે કાર્યકર્તાઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા હતાં. તમે અમારે ત્યાં નવરાત્રીમાં આવ્યા નહોતાં તો હવે અમારી સાથે એક ફોટો તો પડાવો એવી પ્રેમાળ જીદ કાર્યકર્તાઓએ કરી હતી.
શિંદેએ કાર્યકર્તાઓની જીદને માન આપીને ગાડીમાં બેઠાં બેઠાં જ તેમની સાથે ફોટો પડાવ્યા. દરમિયાન શિંદેના કાફલામાં સામેલ બોડીગાર્ડે સંબંધિત કાર્યકર્તાઓને બાજુ પર કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગુસ્સે થઇ ગયા હતાં. તેમણે આવું કરનાર બોડીગાર્ડને ખખડાવ્યો હતો. ત્યાર બાદ કાર્યકર્તાની ખબર પૂછી તેમની સાથે સેલ્ફી કઢાવી હતી. ત્યાર બાદ તેઓ મુંબઇની દિશામાં આગળ વધ્યા હતાં.