કોણ છે અમિત સાટમ જેમને ભાજપે મુંબઈના નવા પ્રમુખ બનાવ્યા, જાણો રાજકીય મહત્ત્વ?

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ અંધેરી પશ્ચિમના ધારાસભ્ય અમિત સાટમને મુંબઈના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. મૂળ કોંકણના અમિત સાટમ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત અંધેરી પશ્ચિમથી ચૂંટાયા હતા. તેઓ હવે આશિષ શેલારનું સ્થાન લેશે, જે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પ્રધાન છે.
મુંબઈ પ્રમુખ માટે સંજય ઉપાધ્યાય અને પ્રવીણ દરેકરના નામ પણ રેસમાં હતા, પરંતુ અંતે ભાજપે મરાઠા કાર્ડ ઉતાર્યું. મુખ્ય પ્રધાન ફડણવીસે અમિત સાટમના નામની જાહેરાત કરી. રાજકીય નિરીક્ષકો કહે છે કે અમિત સાટમને મુંબઈ ભાજપ પ્રમુખ બનાવીને પાર્ટીએ ઠાકરે બંધુઓના મરાઠી ઓળખના મુદ્દાનો સફળતાપૂર્વક જવાબ આપ્યો છે.
આપણ વાંચો: શિક્ષણમાં ત્રણ ભાષાને મંજૂરી આપી મહારાષ્ટ્રમાં ભાજપ ફસાયું?
ફડણવીસનો ‘માસ્ટરસ્ટ્રોક’
અમિત સાટમ 49 વર્ષના છે. તેમનું મુંબઈ પ્રમુખ બનવું ભાજપ માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે કારણ કે સાટમ પર્યાવરણવાદી છે. એટલું જ નહીં, તેઓ ટ્રાફિક સમસ્યા અંગે પણ પોતાનો અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે, ભાજપે તેમને પ્રમુખ બનાવીને એક સાથે અનેક પાસાઓને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે.
અમિત સાટમ મરાઠા છે. એટલું જ નહીં, શરૂઆતના દિવસોમાં તેઓ ભાજપના દિગ્ગજ ઓબીસી નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ગોપીનાથ મુંડેના અંગત સહાયક (પીએ) હતા. આ પછી, તેઓ ટાટા ટેલિકોમ સર્વિસીસમાં HR બન્યા.
થોડા વર્ષો કોર્પોરેટ જગતમાં રહ્યા પછી, જ્યારે અમિત સાટમે રાજકારણમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે શ્રી શ્રી રવિશંકરના આશીર્વાદ લીધા હતા. તેઓ BMCના કાઉન્સિલર તરીકે ચૂંટાયા. આ પછી 2014માં, તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
સાટમ ખૂબ એક્ટિવ વિધાનસભ્ય છે
મહારાષ્ટ્રના રાજકીય વિશ્લેષક દયાનંદ નેનેએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં અમિત સાટમ યોગ્ય પસંદગી છે, ફડણવીસે સારો દાવ રમ્યો છે. જો સંજય ઉપાધ્યાય ચૂંટાયા હોત, તો વિપક્ષ, ખાસ કરીને ઠાકરે બંધુઓ, તેમના ઉત્તર ભારતીય હોવાને લઈને મુદ્દો બનાવી શકત. નેને આગળ કહે છે કે પ્રવીણ દરેકર પણ રેસમાં હતા પરંતુ તેઓ મનસેમાંથી ભાજપમાં જોડાયા છે.
કદાચ તેથી જ જ્યારે તેમનું નામ આવ્યું ત્યારે તેમના નામ પર ચોકડી મારવામાં આવી. સાટમ ખૂબ જ સક્રિય વિધાનસભ્ય રહ્યા છે. તેઓ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. પાર્ટીએ તેમને એક મોટી જવાબદારી સોંપી છે. તો હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં સાટમ કેવી રીતે આગળ વધે છે.
આપણ વાંચો: કવર સ્ટોરી : મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે કે સિરિયલ?!
પરિવારમાં કોણ કોણ છે?
15 ઓગસ્ટ, 1976ના રોજ જન્મેલા અમિત સાટમ ડબલ ગ્રેજ્યુએટ છે. તેમની પત્નીનું નામ શ્વેતા છે. તેમને એક પુત્રી છે. અમિત સાટમના પિતાનું નામ ભાસ્કર જે સાટમ છે. સાટમે મુંબઈ યુનિવર્સિટીની મહાત્મા ગાંધી મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
શ્રી શ્રી રવિશંકરનો સાટમના જીવન પર ઊંડો પ્રભાવ છે, તેઓ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીકના અને વિશ્વાસુ ગણાય છે. સાટમે થોડા પુસ્તકો પણ લખ્યા છે. તેમાંથી એક પુસ્તકનું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા દ્વારા કરવામાં આવ્યું હતું. સાટમ મુંબઈમાં LED ને શરૂઆતના દિવસોમાં લોકપ્રિય બનાવવા અને જુહુ બીચની સફાઈ માટે જાણીતા છે.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ત્રણ વખત ધારાસભ્ય રહેલા અમિત સાટમને મુંબઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકમના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ વર્ષના અંતમાં યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
ફડણવીસે આશા વ્યક્ત કરી કે સાટમના નેતૃત્વમાં ભાજપ બીએમસીમાં ફરીથી સત્તા મેળવશે. ૪૯ વર્ષીય સાટમ સતત ત્રણ ટર્મથી મુંબઈના અંધેરી પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન, પાર્ટીએ નોંધપાત્ર જીત નોંધાવી હતી અને શહેર એકમના વડા આશિષ શેલારના નેતૃત્વમાં મુંબઈમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું.