નવી મુંબઈ એરપોર્ટ પરથી પહેલી કમર્શિયલ ફ્લાઈટ ક્યારે ભરશે ઉડાન? જાણો તારીખ…

પ્રારંભિક તબક્કે રોજ 23 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે
મુંબઈઃ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટની તારીખ નક્કી થઈ ગઈ છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ 25 ડિસેમ્બરે ઉડાન ભરશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)એ જણાવ્યું હતું કે તે 25 ડિસેમ્બરથી કમર્શિયલ ફ્લાઇટસનું સંચાલન કરશે. પ્રારંભિક તબક્કામાં રોજ 23 સુનિશ્ચિત ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.
ઓથોરિટીએ જણાવ્યું છે કે આ અગાઉ એરપોર્ટ સવારે 08.00 વાગ્યાથી રાત્રે 08.00 વાગ્યા સુધી 12 કલાક સેવા આપશે અને આ સમયગાળા દરમિયાન એરપોર્ટ પ્રતિ કલાક મહત્તમ 10 ફ્લાઇટ્સનું સંચાલન કરી શકશે.
અદાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (CIDCO)ની સંયુક્ત માલિકીનું આ એરપોર્ટ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (NMIAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટને 30 સપ્ટેમ્બરના ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCA તરફથી તેનું એરપોર્ટ લાઇસન્સ મળ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરના નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટની પહેલી કમર્શિયલ ફ્લાઇટ 30 ઓક્ટોબરે ઉડાન ભરશે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી કમર્શિયલ ફ્લાઇટ ડિસેમ્બર 2025માં ઉડાન ભરશે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ જણાવ્યું હતું કે, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ નેતા અને સામાજિક કાર્યકર ડીબી પાટિલના નામ પર રાખવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટનું આખું નામ “લોકનેતે ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ” હશે.
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાંચ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટમાં અદાણી ગ્રુપનો 74 ટકા હિસ્સો છે. બાકીનો 26 ટકા હિસ્સો મહારાષ્ટ્ર સરકારની જમીન વિકાસ સત્તામંડળ, સિડકો પાસે છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું બીજું એરપોર્ટ છે અને તેનું કોડનેમ ‘NMI’ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…



