મહાયુતિમાં પાંચ બેઠકનો ફેંસલો ક્યારે?
દક્ષિણ મુંબઈ સહિતની બેઠકો મુદ્દે હજી અસમંજસ
મુંબઈ: ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થોડા જ દિવસોમાં યોજાવાનું છે ત્યારે મહાયુતિમાં હજી સુધી પાંચ બેઠકો મુદ્દે ખેંચતાણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે મહાવિકાસ આઘાડી દ્વારા બધા જ ઉમેદવારોની જાહેરાત થયાને 20 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે ત્યારે મહાયુતિ દ્વારા હજી સુધી આ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે મહાયુતિના કાર્યકરો પણ અસમંજસમાં હોવાનું જણાઇ રહ્યું છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવા છતાં મહાયુતિ દ્વારા દક્ષિણ મુંબઈ, થાણે, પાલઘર અને નાશિક સહિત પાંચ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.
જોકે, બેઠકોની વહેંચણી અંગે મહાયુતિના પક્ષોમાં સંમતિ થઇ હોવાનું અને ટૂંક સમયમાં ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
આપણ વાંચો: સંભાજીનગરમાં મહાયુતિની પ્રચારસભામાં અજિત પવારે જનતાને કરી આ અપીલ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નાશિક અને થાણે બેઠકો એકનાથ શિંદે જૂથની શિવસેનાના ફાળે આપવાનું લગભગ નક્કી માનવામાં આવે છે. જોકે, દક્ષિણ મુંબઈ અને પાલઘર બેઠક માટે હજી પણ ખેંચતાણ ચાલી રહી હોવાનું જણાય છે. આઉપરાંત ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈની બેઠક માટે પણ હજી સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.
કહેવાય છે કે થાણે અને નાશિકની બેઠક એકનાથ શિંદે માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઇ છે અને આ બેઠકો છોડવા તે તૈયાર નથી. જ્યારે ભાજપ આ બેઠકો પોતાના ફાળે આવે, તે માટે પ્રયત્ન કરી રહી છે.