Central Railway પર પ્રવાસીઓની હાલાકીનો અંત ક્યારે? ગુરુવારે પણ આ કારણે મોડી પડી ટ્રેનો…
મુંબઈઃ રોજ કોઈને કોઈ કારણસર મધ્ય રેલવે (Central Railway)ની લોકલ ટ્રેનો ગુરુવારે પણ સવારે ધસારાના સમયે વિક્રોલી સ્ટેશન નજીક સિગ્નલ સિસ્ટમમાં ખરાબી સર્જાવવાને કારણે મોડી પડી હતી. ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી.
આ બાબતે માહિતી આપતા મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે વિક્રોલી સ્ટેશન નજીક સવારે 7 વાગ્યે અપ ફાસ્ટ લાઈન પર સિગ્નલિંગ સિસ્ટમમાં ખરાબી સર્જાતા એકાદ કલાક સુધી ટ્રેન વ્યવહાર ઠપ્પ થયો હતો. આ ખામીને કારણે ધસારાના સમયે ટ્રેનો મોડી પડી હતી, જેને કારણે અનેક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: રેલવેમાં બે હોનારત ટળી ગઈ, જાણો ગઈકાલે એવું શું થયું હતું Central Railwayમાં?
મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર રજનિશ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને 8.05 કલાકે પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ ગયો હોવાની માહિતી આપી હતી. પ્રવાસીઓએ પણ ટ્રેનો 20થી 30 મિનિટ સુધી મોડી પડી હોવાની ફરિયાદ કરી હતી અને સીએસએમટી અપ ફાસ્ટ લાઈન પર એક પછી એક ટ્રેનો ઉભેલી જોવા મળી હતી. પ્રવાસીઓ ટ્રેક પર ચાલીને આગળના સ્ટેશન પર પહોંચ્યા હતા અને બીજા ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચ્યા હતા.
મધ્ય રેલવેની ટ્રેન હંમેશાની જેમ જ સમયસર દોડી રહી હતી જો તમે દરરોજ 20 મિનિટ મોડી પડતી ટ્રેનોને ઓનટાઈમ ટ્રેનો દોડે છે એવું માનતા હોવ તો. આ સિવાય રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની એનાઉન્સમેન્ટ કરવામાં આવી નહોતી. આ સિવાય ટ્રેન કેન્સલ થવાની કે રદ્દ કરવા બાબતે પણ પ્રવાસીઓને કોઈ માહિતી આપવામાં આવી નહોતી, એવી ફરિયાદ એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી.
મધ્ય રેલવે પર દરરોજ 1800 લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ લોકલ ટ્રેમાં દરરોદ 30 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.