‘સાયબર પોલીસે’ જ જ્યારે ખંડણી વસૂલી…
અગાઉ ક્યારેય ન સાંભળી હોય એવી ફ્રોડની મોડસ ઑપરેન્ડી: નાગપુર સાયબર પોલીસના નામે ઈ-મેઈલ મોકલી બૅન્ક ખાતાં ફ્રીઝ કરાવ્યાં ને પછી તેને અનફ્રીઝ કરવા ખાતાધારકો પાસે ખંડણી માગતા ખળભળાટ
નાગપુર: છેતરપિંડીની અગાઉ ક્યારેય સાંભળી ન હોય એવી મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરીને સાયબર ઠગો દ્વારા બૅન્કના ખાતાધારકો પાસેથી ખંડણી વસૂલવામાં આવી હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે મુંબઈના બે યુવકોની ધરપકડ કરી હતી.
આરોપીઓએ નાગપુર સાયબર પોલીસના નામે બનાવેલી આબેહુબ ઈ-મેઈલ આઈડી પરથી બૅન્કોને મેઈલ મોકલીને અનેક બૅક ખાતાં ફ્રીઝ કરાવ્યાં હતાં અને પછી એ ખાતાં અનફ્રીઝ કરવા ખાતાધારકો પાસેથી નાણાં પડાવ્યાં હોવાનું પોલીસનું કહેવું છે.
નાગપુરના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડિટેક્શન) નિમિત ગોયલે બુધવારે જણાવ્યું હતું કે આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઠગ ટોળકીએ ક્યાંકથી 176 જેટલાં બૅન્ક ખાતાંની વિગતો પ્રાપ્ત કરી હતી અને એ ખાતાં જે બૅન્કોમાં હતાં તેને નાગપુર સાયબર પોલીસના નામે ઈ-મેઈલ મોકલાવ્યા હતા. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને કારણે સંબંધિત ખાતાં ફ્રીઝ કરવાની સૂચના મેઈલમાં અપાઈ હતી, એવું ડીસીપીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અભિનેતા Aamir Khanએ આ કારણે નોંધાવી સાયબર પોલીસમાં ફરિયાદ
ડીસીપીએ ઉમેર્યું હતું કે પછી ઠગ ટોળકી સંબંધિત ખાતાધારકોનો સંપર્ક કરતી હતી અને દેશ વિરોધી પ્રવૃત્તિને કારણે બૅન્ક ખાતાં ફ્રીઝ કરાયાંની માહિતી આપતી હતી. ખાતાં અનફ્રીઝ કરવા માટે આ ટોળકી નાણાંની માગણી કરતી હતી. આ મોડસ ઑપરેન્ડી અભૂતપૂર્વ હોવાનું ડીસીપીનું કહેવું છે.
એક ખાનગી બૅન્કના આસિસ્ટન્ટ મૅનેજર સ્વેતાકુમાર ત્રિલોચન પાનીગ્રહીને સાયબર પોલીસ દ્વારા મેઈલ મળ્યા પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. મેઈલ બનાવટી ઈ-મેઈલ એડ્રેસ પરથી આવ્યો હોવાની શંકા જતાં પાનીગ્રહીએ નાગપુર સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
નાગપુર સાયબર પોલીસે આ મેઈલને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મુંબઈમાં રહેતાં પ્રદ્યુમ અનિલ સિંહ (26) અને શુભમ પિતાંબર સાહુ (32)ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઠગ ટોળકીએ સાત બૅન્કનાં 176 ખાતાંને ટાર્ગેટ કર્યાં હતાં.
આ ટોળકી પાસે બૅન્ક ખાતાંની વિગતો કઈ રીતે પહોંચી તેની તપાસ પોલીસ કરી રહી છે. અંદરની કોઈ વ્યક્તિની સંડોવણીની શક્યતાને પણ પોલીસ નકારતી નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા બન્ને આરોપીને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)