પવાર મુદ્દે અનિલ દેશમુખે હવે શું આપ્યું નિવેદન, જાણો હકીકત
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારની આજે જોરદાર ટીકા કરી હતી. દેશમુખે અજિત પવારની ટીકા કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે કૃષિ પ્રધાન (શરદ પવારનું નામ લીધા વિના)ની ટીકા કરી ત્યારે અજિત પવારે એ જ વખતે મંચ છોડી દેવો જોઈતો હતો.
ગુરુવારે શિરડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારનું નામ લીધા વિના ટીકા કરી હતી. આ સંદર્ભે આજે પત્રકારો સાથે વાતચીત કરતા પૂર્વ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે પીએમ મોદીએ ટીકા કરી ત્યારે તેના વિરોધમાં અજિત પવારે મંચ છોડી દેવો જોઈતો હતો અથવા પીએમ મોદીને યોગ્ય જાણકારી આપવી જોઈતી હતી, જેથી તેઓ શરદ પવારની સામે નિવેદન યોગ્ય કરે.
દેશમુખે કહ્યું હતું કે પીએમ મોદીએ ખૂદ ભૂતકાળમાં ખેડૂતો માટે શરદ પવારના યોગદાનની પ્રશંસા કરી હતી. એનસીપીના નેતા અનિલ દેશમુખે આરોપ લગાવ્યો હતો કે મોદીએ હવે ચૂંટણી પહેલા પોતાનું વલણ બદલ્યું છે અને પીએમ મોદીએ શરદ પવારના સંબંધમાં પોતાનું નિવેદન સુધારવાની માગણી કરી હતી.
બીજી જુલાઈના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર સામે બળવો કરીને અજિત પવારે આઠ વિધાનસભ્યોને લઈ એકનાથ શિંદે સરકારમાં સામેલ થયા હતા, ત્યારબાદ એનસીપીનું ભંગાણ થયું હતું.