મહારાષ્ટ્રે શું પાપ કર્યું છે, રૂ. 450માં ગેસ સિલિન્ડર કેમ નર્હીંં: નાના પટોલે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર આવશે તો તેમને રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતની ટીકા કરતાં રાજ્યના કૉંગ્રેસી નેતા નાના પટોલેએ એવી ટીકા કરી છે કે મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપની જ સરકાર છે. તો પછી ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં રૂ. 450માં ગેસ સિલિન્ડર કેમ આપતી નથી?
નાગપુરમાં તેમણે એવો સવાલ કર્યો હતો કે ભાજપના મોટા નેતાઓ પણ રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપની જ સરકાર છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં રૂ. 450માં ગેસ સિલિન્ડર કેમ આપતું નથી? મહારાષ્ટ્રની જનતાએ શું પાપ કર્યા છે? આ બધી છેતરપિંડી છે. ઉજ્જવલા યોજનાના નામ હેઠળ અપાયેલા ગેસના સિલિન્ડરોમાંથી ફક્ત 20 ટકા ગેસના સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ યોજના નિષ્ફળ ગઈ છે. ઉજ્જવલા યોજનાના નામ હેઠળ ગરીબોને જે કેરોસીન મળતું હતું તે ભાજપે બંધ કરી નાખ્યું છે. નફો કરવાનું કામ સરકારનું નથી, પરંતુ 2014થી સરકાર નફો કરવા માટે કામ કરી રહી છે. જનતાની લૂંટ કરીને નફો કરવો એ અત્યંત ચિંતાજનક છે, એમ પણ તેમણે કહ્યું હતું.