નવા વર્ષમાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે નવી ભેટ, જાણો શું હશે ?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે શરુ કરવામાં એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં નવા વર્ષથી પશ્ચિમ રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે. હાલની એસી લોકલ કરતાં આ બે નવી ટ્રેનમાં વધારે પ્રવાસીઓને બેસવાની ક્ષમતા હશે અને આ ટ્રેનમાં 24 ટકા સીટ મહિલાઓ માટે રાખવામા આવવાની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં એસી લોકલ ટ્રેનોની લોકપ્રિયતામાં વધારો થતાં પ્રવાસીઓની ભીડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભીડને કારણે એસી ટ્રેનોની સંખ્યા અને સેવામાં વધારો કરવાની માગણી પ્રવસીઓ કરી રહ્યા છે. આ માગણીને ધ્યાનમાં લઈ પહેલી એસી લોકલને ફેબ્રુઆરીમાં અને બીજી એસી લોકલને માર્ચ સુધી સેવામાં સામેલ કરવામાં આવવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
આ નવી ડિઝાઇનની લોકલને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી બાવવામાં આવી છે. આ લોકલ ટ્રેનો સેવામાં સામેલ થયા બાદ તેને નિયમિત રીતે દોડાવવામાં આવશે. હાલની એસી લોકલમાં 1,028 પ્રવાસીઓ માટે સીટ રાખવામાં આવી છે, પણ આ નવી લોકલ ટ્રેનોમાં 1,118 જેટલી સીટ રાખવામાં આવી છે, જેથી સીટિંગ કેપેસિટીમાં વધારો થશે.
હાલમાં પશ્ચિમ રેલવેની સાત એસી ઈએમયુ લોકલ ટ્રેનને 16 વખત દોડાવવામાં આવે છે, પણ હવે નવી ટ્રેન સામેલ થયા બાદ આ સંખ્યાને 20 સુધી કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ નવી ટ્રેનોમાં કુલ 1,118 સીટમાંથી 274 સીટ મહિલા પ્રવાસીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે, અને બાકીની 982 સીટ બાકીના પ્રવાસીઓ માટે રાખવામાં આવશે. આ ટ્રેનના દરેક કોચ એકબીજાથી જોડાયેલા હશે, જેથી લોકો કોચની વચ્ચે પણ અવરજવર કરી શકશે.
હાલમાં પશ્ચિમ રેલવેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 96 અને શનિવાર-રવિવારમાં 53 એસી લોકલ દોડાવવામાં આવી રહી છે. ચાલુ વર્ષના એકથી 26 ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં 4,72,549 એસી લોકલની ટિકિટનું વેચાણ થયું હતું અને 32,315 પાસ વેચવામાં આવ્યા છે, જેથી આ સમયમાં 24,14,998 પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કરી શકાય એવો અંદાજ રેલવે પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.