પશ્ચિમ રેલવેમાં ‘કવચ’ સુરક્ષા સિસ્ટમનું કામ બન્યું ઝડપી: વિરાર-ચર્ચગેટ વચ્ચે અડધોઅડધ કામ પૂરું, જાણો શું થશે ફાયદો?

મુંબઈઃ પશ્ચિમ રેલવે મુંબઈવાસીઓની જીવાદોરી સમાન ઉપનગરીય લાઇન પર સલામતીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિરારથી ચર્ચગેટ સુધીના 60 કિમીના પટ્ટા પર 67 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સિસ્ટમ ‘કવચ’ સ્થાપિત કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે, જેનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
‘કવચ’ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે જે ટ્રેકના સાધનો, લોકોમોટિવ્સ અને સેટેલાઇટનો ઉપયોગ ટ્રેનોની ઝડપ નિયંત્રિત કરીને સામસામે અથડામણ અટકાવે છે. આ સિસ્ટમ ઓટોમેટિક હોવાથી જો ડ્રાઈવર ભૂલ કરે તો પણ, શીલ્ડની મદદથી બ્રેક્સ સક્રિય થાય છે, જેનાથી સંભવિત અકસ્માતો અટકાવી શકાય છે.
આ પણ વાંચો : Good News: હવે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ‘કવચ’થી સજ્જ બનાવાશે
પ્રોજેક્ટના 60 કિમીના રૂટ પર ટાવર બાંધકામનું સર્વેક્ષણ અને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટાવર ઉભા કરવાનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 15 માંથી 14 જગ્યાએ માટી પરીક્ષણ પૂર્ણ થયું છે. 12 સ્થળોએ પાયાનું કામ 80 ટકા પૂર્ણ થયું છે. અન્ય બાંધકામ કાર્યો સંતોષકારક ગતિએ આગળ વધી રહ્યા છે.ઉપગ્રહો અને ટ્રેન એન્જિન સિસ્ટમ વચ્ચે જોડાણ કરતી TCAS સિસ્ટમ 17 સ્ટેશનો પર બેસાડવામાં આવશે. આમાંથી છ સ્ટેશનો પર આ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
કવચ માટે લિડર સર્વે અને ટ્રેનોને ટ્રેક કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ (RFID ટેગ) ઇન્સ્ટોલ કરવાનું કામ 40 ટકા થયું છે. કેબલ રૂટના સર્વેક્ષણ અને ઓપ્ટિકલ કેબલ નાખવાનું 60 ટકા કામકાજ પૂર્ણ થઈ ગયું છે. એક તરફ, આ યાંત્રિક અને બાંધકામ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તો સાથે, સિસ્ટમના પરીક્ષણો પણ શરૂ કરવામાં આવ્યા છે. રૂટના 60 કિલોમીટરમાંથી 24 કિલોમીટર પર રેલ્વે લોકોમોટિવના વિવિધ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવેમાં આ વીકએન્ડમાં ‘મેજર જમ્બો’ નાઈટ બ્લોક: 250થી વધુ લોકલ ટ્રેન રદ, જાણો સંપૂર્ણ વિગત
વિરાર-ચર્ચગેટ ઉપનગરીય રેલવે લાઇન પર ‘કવચ’ સિસ્ટમના અમલીકરણ સાથે, મુંબઈ ઉપનગરીય રેલવે સેવાઓ સલામતીની દ્રષ્ટિએ વિશ્વ કક્ષાની થશે. વરિષ્ઠ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કવચ’ પ્રોજેક્ટ માત્ર ટેકનિકલ સુધારો નથી, પરંતુ કરોડો મુસાફરોની દૈનિક મુસાફરીને સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનાવવા માટે આધુનિકીકરણ તરફ એક સ્વદેશી પગલું છે.



