ઘરેથી બહાર નીકળવાનો છો, જાણી લેજો બ્લોકની વિગતો નહીં તો….
મધ્ય રેલવેના આટલા સ્ટેશન પર પ્લેટફોર્મનું ટિકિટ વેચાણ થયું બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે આ અઠવાડિયાના અંતમાં રેલવે પ્રશાસન ત્રણેય લાઈનમાં બ્લોક લેશે, જ્યારે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી માટે વિશેષ બ્લોક લેશે, તેથી પ્રવાસીઓએ વિગતવાર માહિતી લઈને ટ્રાવેલ કરવાનું સુલભ સાબિત થઈ શકે છે. મુંબઈ સબર્બન રેલવેમાં પશ્ચિમ રેલવેની સાથે મધ્ય રેલવેની મેઈન લાઈન સાથે ટ્રાન્સ હાર્બર લાઈનમાં વિશેષ બ્લોક લેવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં આવતીકાલે વાનખેડે ખાતેના ફૂટઓવર બ્રિજ (એફઓબી)ના કામકાજ માટે રાતના 1.15 વાગ્યાથી રવિવારે સવારના 4.15 વાગ્યા સુધી બ્લોક રહેશે. ચર્ચગેટ અને મરીન લાઈન્સ સ્ટેશનની વચ્ચેના ફૂટઓવર બ્રિજના દક્ષિણ દિશાના મુખ્ય ગર્ડરના કામકાજ માટે ત્રણ કલાકનો બ્લોક રહેશે.
આપણ વાંચો: મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સમાચારઃ આ બે લાઈનમાં રહેશે વિશેષ નાઈટ બ્લોક
બ્લોકને કારણે લોકલ ટ્રેનસેવા પર થશે અસર
પશ્ચિમ રેલવેના બ્લોકને કારણે આવતીકાલે રાતના 8.50 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ અને રવિવારે વહેલી સવારના 4.38 વાગ્યાની લોકલ રદ્દ રહેશે. ઉપરાંત, રાતના 12.10 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરાશે.
રાતના વિરારથી 11.49 વાગ્યાની ટ્રેન મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ થશે. રાતના 12.30 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ, મોડી રાતના 12.05 વાગ્યાની વિરાર-ચર્ચગેટ લોકલ મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરાશે.
રવિવારે વહેલી સવારની 4.15 વાગ્યાની ચર્ચગેટ લોકલ મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે, જ્યારે 4.18 વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ્દ રહેશે, જ્યારે વિરાર ચર્ચગેટ લોકલ 11.30 વાગ્યે વિરારથી ઉપડશે, જ્યારે નિર્ધારિત સમય અનુસાર 1.10 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
આપણ વાંચો: લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના છોઃ આજે રાતે અને આવતીકાલે આ લાઈનમાં રહેશે બ્લોક
રવિવારે મધ્ય રેલવેમાં રહેશે મેગા બ્લોક
મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે 20મી એપ્રિલના રવિવારે સીએસએમટી-વિદ્યાવિહાર અપ એન્ડ ડાઉન લાઈનમાં સવારના 10.55 વાગ્યાથી બપોરના 3.55 વાગ્યા સુધી પાંચ કલાકનો મેગા બ્લોક રહેશે.
જોકે, બ્લોક દરમિયાન લોકલ ટ્રેન મસ્જિદ રોડ, સેન્ડ હર્સ્ટ રોડ, કરી રોડ અને ચિંચપોકલી સ્ટેશને હોલ્ટ રહેશે નહીં. ઉપરાંત, ટ્રાન્સ હાર્બર લાઈનમાં થાણે-વાશી/નેરુલ વચ્ચે સવારના 11.10 વાગ્યાથી બપોરના 4.10 વાગ્યા સુધી બ્લોક રહેશે.
આપણ વાંચો: મધ્ય રેલવેમાં આવતીકાલે રાતના આ લાઈનમાં રહેશે નાઈટ બ્લોક
મધ્ય રેલવેમાં રહેશે વિશેષ નાઈટ મેગા બ્લોકને કારણે મુશ્કેલી
મધ્ય રેલવેમાં બદલાપુર સ્ટેશને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી માટે આવતીકાલે રાતના 12.00 વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધી છ કલાકનો બ્લોક રહેશે.
એ જ રીતે દીવા અને મુમ્બ્રા સ્ટેશનને વચ્ચે રેલવે લાઈનમાં કન્વર્ઝન માટે રવિવાર અને સોમવારે રાતના એક વાગ્યાથી બીજા દિવસે વહેલી સવારાના પાંચ વાગ્યા સુધી બ્લોક રહેશે, પરિણામે મોડી રાતની લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની ટ્રેનસેવા પર આગામી ત્રણેક દિવસ અસર રહેશે, તેથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આપણ વાંચો: આજે રાતના રેલવેનો શરુ થશે ‘મહાજમ્બો” બ્લોક, હેરાન ના થવું હોય તો જાણો બ્લોકની વિગતો
મધ્ય રેલવેના મહત્ત્વના સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ
ઉનાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ આજથી (અઢારમી એપ્રિલ) લઈને પંદરમી મે સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું છે. મધ્ય રેલવેના મહત્ત્વના ટર્મિનસમાં સીએસએમટી, એલટીટી, કલ્યાણ, પુણેનો સમાવેશ થાય છે. જોકે, વરિષ્ઠ નાગરિકો, બીમાર દર્દી, બાળકો સહિત કોઈ પ્રવાસી સાથેના કેરટેકર માટે છૂટ રહેશે, એમ રેલવેએ જણાવ્યું હતું.