Water Crisis: પર્યાપ્ત વરસાદ પછી મુંબઈના આ વિસ્તારોમાં પાણીની કટોકટી

મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા ડેમ હાલમાં ભરાઇ ગયા છે અને એક વર્ષ સુધી પાણીની ચિંતા દૂર થઇ ગઇ છે, છતાં વરલી, લોઅર પરેલ, કરી રોડ વિસ્તારમાં થોડા દિવસથી પાણીના ફાંફા છે. તેથી આ વિસ્તારોની ઇમારતોને ટેન્કર દ્વારા પાણી મગાવવાની ફરજ પડી છે.
ઉક્ત વિસ્તારોમાં હાલમાં ઓછા દબાણે પાણી પુરવઠો થઇ રહ્યો છે. પાણી પુરવઠો વિભાગ પણ આ સમસ્યાનું કારણ જાણવામાં અસમર્થ રહ્યો છે. જુલાઇ મહિનામાં સારો વરસાદ પડ્યો હોવાને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય તળાવમાં ૯૩ ટકા પાણીસંગ્રહ છે. ડેમ ભરાઇ જતા પાલિકાએ પાણીકાપ પાછો ખેંચ્યો હતો. તેમ છતાં શહેરના કેટલાક ભાગમાં ઓછા દબાણે પાણી પુરવઠો થઇ રહ્યો છે.
આ પણ વાંચો: થાણેમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે
મધ્ય મુંબઈના વરલી, લોઅર પરેલ, કરી રોડ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ઓછા દબાણે પાણી પુરવઠો થઇ રહ્યો છે. અહીંની બિલ્ડિંગને ટેન્કર દ્વારા પાણી મગાવવાની ફરજ પડી છે. છેલ્લા કેટલા દિવસથી લોઅર પરેલનો સ્ટેશન વિસ્તાર, સીતારામ જાધવ માર્ગ, સેનાપતી બાપટ માર્ગ, કરી રોડ, વરલી ખાતે સેન્ચુરી મ્હાડા ઇમારત વિસ્તાર, ફિનિક્સ મિલના સામેની રેલવે કોલોનીમાં ઓછા દબાણે પાણી પુરવઠો થઇ રહ્યો છે.
પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ઓછા દબાણે પુરવઠો થઇ રહ્યો હોવાને કારણે ક્યાં પાણી ગળતર થઇ રહ્યું છે તેની તપાસ કરાઇ રહી છે. આ સિવાય ટેક્નિકલ કોઇ ખામી સર્જાઇ છે કે તેની પણ ચકાસણી કરાઇ રહી છે.