વિરારમાં યુવકની હત્યા પછી આત્મહત્યાનું જુઠ્ઠાણું ચલાવનારી મહિલા પાંચ વર્ષે પકડાઈ

પાલઘર: નાણાં વિવાદમાં વિરારમાં ગળું દબાવીને યુવકની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યા કરી હોવાનું દૃશ્ય ઊભું કરનારી મહિલા છેક પાંચ વર્ષે મુંબઈમાં પકડાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મદન બલ્લાળે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ડોલરીન આફરીન અહમદ ખાન (27) તરીકે થઈ હતી. નાલાસોપારામાં રહેતી મહિલાએ 12 ફેબ્રુઆરી, 2020ના રોજ વિરારના અર્નાળા ખાતે પ્રદીપ દયાશંકર રાય (23)ની ગળું દબાવી કથિત હત્યા કરી હતી. બાદમાં રાયે આત્મહત્યા કરી હોવાનું જુઠ્ઠાણું મહિલાએ ચલાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે થાણે જિલ્લાના બદલાપુર ખાતે રહેતા રાય સાથે આરોપી મહિલાને નાણાંને મુદ્દે વિવાદ હતો. આ વિવાદને પગલે જ રાયની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બહેન સાથે અફૅરની શંકા પરથી ભાઈએ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી
આ પ્રકરણે અર્નાળા પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર એફઆઈઆર નોંધ્યો હતો. હત્યામાં સંડોવણી સામે આવી હોવાનું માલૂમ પડતાં મહિલા ફરાર થઈ ગઈ હતી. પોલીસે શોધ ચલાવ્યા છતાં તે હાથ લાગી નહોતી. આખરે પોલીસે સીઆરપીસીની કલમ 299 હેઠળ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.
ફરાર આરોપીની તપાસ દરમિયાન તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ફરી શોધ હા ધરી હતી. ચાર મહિનાથી મહેનત પછી શુક્રવારે મહિલા કાંદિવલીમાં પકડાઈ હતી. તાબામાં લેવાયેલી મહિલાને વધુ કાર્યવાહી માટે અર્નાળા પોલીસના તાબામાં સોંપાઈ હતી. (પીટીઆઈ)