વિરારની ઈમારત દુર્ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ: વધુ ચારની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિરારની ઈમારત દુર્ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ: વધુ ચારની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિરારમાં ગેરકાયદે ચણવામાં આવેલી ઈમારતનો ભાગ તૂટી પડતાં 17 જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસ મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે લૅન્ડલોર્ડ બે મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે શુક્રવારે રાતે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ શુભાંગી ભોઈર (38), તેના પતિ સુરેન્દ્ર ભોઈર (46), સંધ્યા પાટીલ (35) અને તેના પતિ મંગેશ પાટીલ (35) તરીકે થઈ હતી. શનિવારે આરોપીઓને સ્થાનિક અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો: પાલઘરના વિરારમાં ગેરકાયદે ઇમારત ધરાશાયી: 14ના કરુણ મોત, બિલ્ડરની ધરપકડ

આ કેસમાં વિરાર પોલીસે ગુરુવારે વિરાર પૂર્વના વીર સાવરકર માર્ગ પરની ગુરુકુળ બિલ્ડિંગમાં રહેતા વિકાસક નીતલ ગોપીનાથ સાને (48)ની ધરપકડ કરી હતી. કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી સંભળાવી હોવાથી તેને શનિવારે ફરી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને વધુ છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

વિરાર પૂર્વમાં નારંગી રોડ પર આવેલી રમાબાઈ એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો એક ભાગ મંગળવારની મધરાતે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 17 રહેવાસીએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે નવથી વધુ લોકો જખમી થયા હતા.

આ ઈમારત 2008-2009માં ગેરકાયદે બાંધવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પરિણામે શુક્રવારે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે જમીનના માલિક પરશુરામ દળવી અને ડેવલપર નીતલ સહાને વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હતો. દળવીના મૃત્યુ બાદ તેની બન્ને પુત્રી શુભાંગી અને સંધ્યા તેમ જ જમાઈઓ સુરેન્દ્ર અને મંગેશે બાંધકામની પ્રક્રિયા આગળ ધપાવી હતી. હાલમાં સુરેન્દ્ર અને મંગેશ ભાડૂતો પાસેથી ભાડું ઊઘરાવતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button