વાયરલ વીડિયોઃ ચાલતી ટ્રેન પકડવા જતાં મુસાફરે જીવને જોખમમાં મૂક્યો, જુઓ કોણે બચાવ્યો?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રેલવેમાં ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાના કિસ્સામાં મોટા ભાગના પ્રવાસીઓ જીવને જોખમમાં નાખતા હોય છે, જેમાં નાની સરખી ભૂલ તો ક્યારેક જીવ પણ ગુમાવવો પડ્તો હોય છે.
પશ્ચિમ રેલવેમાં આવો જ એક કિસ્સો બન્યો હતો, જેમાં એક પ્રવાસી ચાલતી ટ્રેનમાં ચઢવા જતી વખતે અકસ્માતનો શિકાર બન્યો હતો. સદનસીબે રેલ કર્મચારીએ જોઈ લેતા તેને બચાવી લીધો હતો, જેથી રેલવે પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવ બુધવારે પશ્ચિમ રેલવેના વસઈ રોડ રેલવે સ્ટેશન ખાતે બન્યો હતો. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બુધવારે રાતના 12.52 વાગ્યાના સુમારે સીસીટીવી કેમેરામાં વીડિયો કેદ થયો હતો.
આપણ વાચો: …અને ટ્રેન પકડવા મહિલાઓએ ધક્કામુક્કી કરીને જીવને જોખમમાં મૂક્યો, Video Viral
વસઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પરથી ટ્રેન ઉપડી ત્યારે એક પ્રવાસીએ દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે સંતુલન ગુમાવ્યું હતું. કેમ કરીને ટ્રેન પકડી લીધી પણ તેના પગ બહાર રહ્યા હતા.
ગણતરીની સેકન્ડ માટે તો પ્રવાસી ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપની વચ્ચે રીતસર ફસાઈ ગયો હતો. એ જ વખતે પ્લેટફોર્મ પર હાજર રેલવે કર્મચારીએ તેને જોરથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પહેલા વખતે સફળ રહ્યો નહોતો. બીજી વખત કર્મચારીએ હિંમતપૂર્વક ગેપમાંથી ખેંચી લીધો હતો.
આ બનાવ પછી પ્રવાસી બેઠો પણ થયો હતો અને ટ્રેન પણ ધીમી પડી હતી. રાહતની વાત એ હતી કે પ્રવાસીને કંઈ વધુ વાગ્યું નહોતું, તેથી બેઠા થયા પછી ફરીથી ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે કર્મચારીની સતર્કતાને કારણે પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો, એમ સંગઠનના અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાચો: Asaram ના જામીન મંજૂર થતા પીડિતાનો પરિવાર ભયભીત, કહ્યું અમારા જીવને જોખમ…
આ બનાવમાં પાર્સલ વિભાગના કર્મચારી હનુમાન સૈનીને ચપળતાને કારણે પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જો પળનો પણ વિલંબ થયો હોત તો કદાચ પ્રવાસી પ્લેટફોર્મની ગેપમાં સરી પડ્યો હોત. ટ્રેનની પણ વધુ સ્પીડ નહીં હોવાથી પ્રવાસીનો બચાવ થઈ શક્યો. વાસ્તવમાં રેલ કર્મચારીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. વાસ્તવમાં તેની બહાદુરીની કદર થવી જોઈએ અને રેલ પુરસ્કાર મળવો જોઈએ, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.



