આમચી મુંબઈ

વિલેપાર્લેના ડૉક્ટર ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં સપડાયા: પોલીસે 1.29 કરોડ રૂપિયા બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નરેશ ગોયલ કેસ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગના પ્રકરણમાં ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી વિલેપાર્લેના 73 વર્ષના ડૉક્ટર પાસેથી સાયબર ઠગ ટોળકીએ 2.89 કરોડ રૂપિયા પડાવ્યા હતા, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 1.29 કરોડ રૂપિયા બચાવી લીધા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ 2 જૂનથી 4 જૂન દરમિયાન કથિત ઠગાઈ હતી. વિલેપાર્લેમાં રહેતા ડૉક્ટરને અજાણ્યા શખસે વીડિયો કૉલ કર્યો હતો. શખસે પોતાની ઓળખ ટ્રાઈના અધિકારી તરીકે આપી હતી. બાદમાં વીડિયો કૉલ પર જ ડૉક્ટરની વાત પોલીસ અને જજ સાથે કરાવી હતી.

આપણ વાંચો: સાયબર ઠગ બૅંક ખાતું ભાડે રાખીને કરે કમાણી

ઍરવેઝ કંપનીના સંસ્થાપક નરેશ ગોયલના કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના પ્રકરણમાં ડૉક્ટરના બૅન્ક ખાતાનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં જણાયું છે. આ બૅન્ક ખાતામાંથી શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરાયા હોવાનો દાવો પણ આરોપીએ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: સાયબર ઠગ કોઇને મૂકતા નથી,ખુદ પોલીસને ય નહીં

મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી ડૉક્ટરને વિવિધ બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. ડરના માર્યા ડૉક્ટરે 2.89 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં ડૉક્ટરે તરત જ મુંબઈ પોલીસની સાયબર હેલ્પ લાઈન નંબર- 1930 પર ફરિયાદ કરી હતી.

ફરિયાદ મળતાં જ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. નૅશનલ ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધી સંબંધિત બૅન્કના નોડલ ઑફિસરનો સંપર્ક સાધ્યો હતો. જે બૅન્ક ખાતાઓમાં ડૉક્ટરે નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેમાં 1.29 કરોડ રૂપિયા અટકાવવામાં પોલીસ સફળ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button