ઈન્ટરવલ

સાયબર ઠગ કોઇને મૂકતા નથી,ખુદ પોલીસને ય નહીં

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આ કહેવતના આધુનિક સ્વરૂપમાં આવી
શકે કે જયાં કોઇ ન પહોંચે, ત્યાં પહોંચે
સાયબર ઠગ.

આ અદૃશ્ય ધૂતારાને નથી કોઇને ઓળખતા, નથી કોઇની દયા ખાતા કે નથી કોઇને ડર રાખતા. ભલભલાને છેતરવામાં લેશમાત્ર અચકાટ અનુભવતા નથી કે બે વાર વિચારતા નથી. ગમે તેવો મોટા નેતા, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર કે ગમે તેવો ચમરબંધ હોય, કોઇની સાડીબારી ન રાખે આ ઠગ જમાત.

૨૦૨૩ની ૨૭મી નવેમ્બરે એક રસપ્રદ અને આઘાતજનક ઘટના જોઇએ. એક ‘એક્સ’ (અર્થાત જૂના ટવીટર) યુઝરે મુંબઇ પોલીસને ટેગ કરીને મદદ માગી. શું થયું હતું એ યુઝર સામે.
તેમને બે અલગ -અલગ મોબાઇલ નંબર પરથી ફોન આવ્યા. વાત એક જ કરી કે આપના આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરીને તમારા સરનામા પર એક પાર્સલ મોકલવામાં આવ્યું છે. આ પાર્સલમાં ડ્રગ્સ-કેફી દ્રવ્યો છે.

આ સાંભળીને સામાન્ય માણસ બિચારો ગભરાઇ જાય. ઘાંઘો થઇ જાય અને પરસેવે રેબઝેબ થઇ જ જાય.

જોકે સામેથી ફોન કરનારાઓ ઉદાર હતા. સમજદાર પણ લાગ્યા. પૂરેપૂરા પ્રેમ અને સહાનુભૂતિથી સમજાવ્યું કે જો આ પાર્સલ આપને માટે ન હોય તો આપ મુંબઇ પોલીસની વેબસાઇટ પર જઇને આપની જરૂરી માહિતી ભરી દો.

બૉમ્બ ધડાકા જેવો ફોન સાંભળ્યા બાદ હાશકારો થયો કે ચાલો ભલે ખોટા ભેરવાયા પણ એમાંથી છૂટવાનો આસાન તરીકો ઉપલબ્ધ છે. એ પણ પાછો ઓનલાઇન, ક્યાંય ટાંટિયા તોડવા જવાનું નથી.

પછી ફોન કરનારે એક વેબસાઇટની વિગત મોકલી, સાથે બૅન્ક ખાતાની વિગતો અને આધાર કાર્ડની માહિતી પણ માગી. વેબસાઇટ પર પણ આ બધુ મગાતા શંકા ગઇ.

એકદમ રઘવાયા થઇને વેબસાઇટ પર પોતાની અંગત માહિતી આપી દેવાને બદલે તેણો સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોલીસની મદદ માગી. આ સાથે જ પોલીસ એકદમ સક્રિય થઇ ગઇ. મુંબઇ પોલીસ કમિશનરેટમાં કાર્યરત એક પોલીસ અધિકારીની જ ફરિયાદ પરથી કેસ નોંધવામાં આવ્યો.

મુંબઇ પોલીસની સાયબર ટીમે આ મામલામાં ઊંડી ઊતરી તો આંચકો ખાઇ ગઇ. આમ જનતાને સાયબર ફ્રોડથી બચાવવા, મદદરૂપ થવા અને માર્ગદર્શન માટે અદલોબદલ મુંબઇ પોલીસ જેવી જ વેબસાઇટ સાયબર ઠગોએ બનાવી હતી! નિર્દોષોને ફોન કરીને આ વેબસાઇટ પર તેમની અંગત જાણકારી મેળવીને પછી ઠગી થઇ શકે એવો તેમનો મલીન ઇરાદો હતો.

જો ફોન મેળવનારા સજજન કે સન્નારીએ ગભરાટમાં બનાવટી વેબસાઇટ પર બધી માહિતી મૂકી દીધી હોત તો? આજના સમયમાં અને જીવનમાં કાયમ એક નિયમ રાખો: ન ગભરાવું, ન ઉતાવળ કરવી.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
વર્ષ ૨૦૨૨માં સાયબર ફ્રોડના કેસમાં મુંબઇ સૌથી ટોચ પર હતું : ૬૯૬૦ કેસ. આ તો માત્ર નોંધાયેલા મામલા. સતર્ક રહો, સાવધ રહો અને શંકા કરતા રહો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure