આમચી મુંબઈ

વિલેપાર્લેમાં રસ્તાને કિનારે પાર્ક ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિલેપાર્લે નજીક ટાયર પંક્ચર થવાને કારણે રસ્તાને કિનારે ઊભેલા ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકે જીવ ગુમાવ્યા હતા.

વિલેપાર્લે પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારની વહેલી સવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને યુવકની ઓળખ તુષાર દયાનંદ ખંડાગળે (25) અને ચિરાગ નીતિન નાયર (20) તરીકે થઈ હતી. બન્ને મિત્ર નાયરની બાઈક પર બાન્દ્રાથી અંધેરી તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

આપણ વાંચો: થાણેમાં મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ ઘાયલ

પોલીસ ફરિયાદ અનુસાર બોરીવલી તરફ જઈ રહેલા ટેમ્પોનું એકાએક ટાયર પંક્ચર થયું હતું. પરિણામે ડ્રાઈવર અરવિંદકુમાર યાદવે રામ નગર વિસ્તાર નજીક હાઈવે પર રસ્તાની એક તરફ ટેમ્પો પાર્ક કર્યો હતો. જોકે તેણે ટેમ્પોનું કોઈ રિફ્લેક્ટર ચાલુ રાખ્યું નહોતું, જેને કારણે બાઈકસવારને ટેમ્પો તાત્કાલિક નજરે પડ્યો નહોતો.

અધિકારીના જણાવ્યા મુજબ બાઈક નાયર ચલાવી રહ્યો હતો. બાઈક ટેમ્પો સાથે ટકરાતાં બન્ને યુવક ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિક રહેવાસીઓ બન્નેને કૂપર હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પ્રકરણે ખંડાગળેના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે ટેમ્પો ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button