વર્સોવાથી ‘અપહરણ’ કરાયેલો બિલ્ડર વસઈના વ્યસન મુક્તિ કેન્દ્રમાં મળ્યો!

પહેલી પત્નીની સૂચનાથી બિલ્ડરને જબરદસ્તી લઈ જવાયો એમાં બીજી પત્ની અપહરણ કરાયાનું સમજી
મુંબઈ: અંધેરીના પૉશ વિસ્તાર વર્સોવાથી બિલ્ડરનું ‘અપહરણ’ કરાયાની માહિતીથી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તરત જ તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં, પણ બિલ્ડર ટ્રેસ થયો ત્યારે આ પ્રકરણમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. દારૂ પીવાના વ્યસની બિલ્ડરને પહેલી પત્નીએ જબરદસ્તીથી વસઈના રિહેબ સેન્ટરમાં દાખલ કરાવ્યો હતો, જેની જાણ બીજી પત્નીને નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ વર્સોવાના ચાર બંગલો વિસ્તારમાં આવેલા ફ્લૅટમાંથી રવિવારની રાતે અજાણ્યા શખસોએ બિલ્ડર ચંદ્રકાંત ભુનુને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા હતા. આ બનાવથી ડરી ગયેલી ભુનુની બીજી પત્ની અફસાના અરબે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો થાણેમાં ટ્રેનમાંથી છુટકારો
પોલીસ ફરિયાદમાં અફસાનાએ દાવો કર્યો હતો કે ચાર અજાણ્યા શખસ તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. ચારેય જણ બળજબરીથી ભુનુને પોતાની સાથે લઈ ગયા હતા. ભુનુનું કારમાં અપહરણ કરાયું હોવાનું અફસાનાએ જણાવ્યું હતું.
આ પ્રકરણે વર્સોવા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બિલ્ડરની પહેલી પત્નીના પુત્રએ મિલકત વિવાદમાં આ અપહરણ કરાવ્યું હોવાની શંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ હતી. અપહરણને પગલે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી હતી.
તપાસ દરમિયાન પોલીસે બિલ્ડરને વસઈના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ટ્રેસ કર્યો હતો. બિલ્ડરની પૂછપરછ કરવામાં આવતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો: નાલાસોપારામાં અપહરણ બાદ સગીરા સાથે દુષ્કર્મ: ફરાર યુવક પાંચ મહિના બાદ પકડાયો…
બિલ્ડરને દારૂ પીવાનું વ્યસન હતું, જેનાથી પહેલી પત્ની ચિંતિંત હતી. આ વ્યસન છોડાવવા માટે પહેલી પત્નીએ જ ‘અપહરણ’નું કાવતરું ઘડી કાઢ્યું હતું. બિલ્ડરને જબરદસ્તી રિહેબ સેન્ટરમાં દાખલ કરાવ્યો હતો, જેની જાણ તેની બીજી પત્ની અફસાનાને નહોતી.
તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે બિલ્ડરને જબરદસ્તી ઘરમાંથી લઈ જનારા વ્યસન મુક્તિ કેન્દ્રના કર્મચારીઓ હતા. બિલ્ડરની પહેલી પત્નીની સૂચનાથી કર્મચારીઓ જબરદસ્તી બિલ્ડરને લઈ ગયા હતા. (પીટીઆઈ)