આમચી મુંબઈ

મુંબઈમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર જમવા જતો રહેતાં સારવાર ના મળતાં ગુજરાતી યુવકનું મોત

મુંબઈ: દેશનું ડ્રિમ સીટી ગણતા શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે, પરંતુ કટોકટીના સમયે રેલવે પ્રશાસન કેટલું સજ્જ છે તેની પોલ એક કરૂણ ઘટનાએ ખોલી દીધી છે. નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર એક 25 વર્ષીય ગુજરાતી યુવાનને હાર્ટ એટેક આવ્યા બાદ સમયસર સારવાર ન મળતા તેણે જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાએ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. મૃતકની બહેને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ન્યાયની માંગ કરી છે.

મૃતક હર્ષ પટેલ 2 ડિસેમ્બરના રોજ ચેમ્બુરથી પનવેલ જઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન બપોરે 1:37 વાગ્યે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે ટ્રેનમાં જ ઢળી પડ્યો હતો. સહપ્રવાસીઓએ તુરંત રેલવે પોલીસને જાણ કરી હતી. ટ્રેન 1:57 વાગ્યે વાશી સ્ટેશન પહોંચી ત્યારે તેને બહાર પાર્ક કરેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો. કમનસીબે, એમ્બ્યુલન્સ ત્યાં હોવા છતાં તેનો ડ્રાઈવર જમવા ગયો હતો અને કોઈ બેકઅપ ડ્રાઈવર હાજર નહોતો. 15 મિનિટ સુધી ડ્રાઈવરની રાહ જોયા બાદ અંતે પોલીસે તેને સરકારી જીપમાં હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

હર્ષની બહેન અમિકાએ સોશિયલ મીડિયા પર કરેલા ખુલાસા મુજબ, વાશી જેવા મહત્વના સ્ટેશન પર તે સમયે સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી પાયાની સુવિધાઓ પણ મળી નહોતી. હર્ષને ચાદર કે કપડામાં વીંટાળીને સબ-વેમાંથી પસાર કરીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, રેલવે પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવામાં પણ ગલ્લાતલ્લા કર્યા હતા. આ ઘટના પ્રશાસનની અમાનવીયતા અને ગંભીર બેદરકારીને છતી કરે છે, જેના કારણે એક આશાસ્પદ યુવાનનો જીવ ગયો.

આ મામલે વિવાદ વધતા વાશી જીઆરપીના વરિષ્ઠ અધિકારીઓએ કબૂલ્યું છે કે એમ્બ્યુલન્સ ચાલકની આ ગંભીર બેદરકારી હતી. નિયમ મુજબ, ઇમરજન્સી સેવાઓમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 24 કલાક ફરજ પર હાજર રહેવું અનિવાર્ય છે. રેલવે સ્ટેશન પર ક્વિક રિસ્પોન્સ ટીમની હાજરી માત્ર કાગળ પર જ હોય તેવું આ કિસ્સામાં જણાઈ રહ્યું છે. હાલમાં આ મામલે તપાસની ખાતરી આપવામાં આવી છે, પરંતુ હર્ષના પરિવારે જવાબદાર લોકો સામે કડક પગલા લેવાની માંગ કરી છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે કરોડોનું ટર્નઓવર કરતી રેલવે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે આટલી લાપરવાહ કેમ હોઈ શકે? જો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હાજર હોત અથવા સ્ટેશન પર વ્હીલચેર મળી હોત, તો કદાચ હર્ષને સમયસર ગોલ્ડન અવરમાં સારવાર મળી હોત અને તેનો જીવ બચી શક્યો હોત.

આપણ વાંચો:  મુંબઈમાં અઢી એકર જમીન રૂ. 22,50,00,00,000માં વેચાઈ, બની ભારતની સૌથી મોંઘી લેન્ડ ડીલ? જાણો શું છે આખી સ્ટોરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button