વસઈમાં ભારે વસ્તુ ફટકારી મિત્રની હત્યા કરનારો આરોપી દ્વારકા નજીકથી પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વસઈમાં ભારે વસ્તુ ફટકારી મિત્રની હત્યા કરનારો આરોપી દ્વારકા નજીકથી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: માલિકે આપેલા ભોજનના રૂપિયા પરથી થયેલા વિવાદમાં વજનદાર વસ્તુના ઉપરાછાપરી ઘા કરી મિત્રની હત્યા કરનારા આરોપીને ગુજરાતના દ્વારકા નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. ઓખા બંદરે લાંગરેલાં 200થી વધુ જહાજમાં તપાસ કર્યા પછી આરોપી એક જહાજમાંથી મળી આવ્યો હતો.

નાયગાંવ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુનીલ ખરપત પ્રજાપતિ (35) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના શહાદતપુરીનો વતની પ્રજાપતિ હાલમાં વસઈના કામણ વિસ્તારમાં ડોંગરીપાડા ખાતે રહેતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ 7 સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં દિલીપ સરોજની હત્યા કરવામાં આવી હતી. દિલીપ અને પ્રજાપતિ ફરિયાદી પ્રકાશ ચામરિયાની કંપનીમાં કામ કરતા હતા. ચામરિયાએ બન્નેના જમવાના ખર્ચ પેટેની રકમ આરોપી પ્રજાપતિના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

આ પણ વાંચો: બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…

પોતાના હિસ્સાની રકમ પ્રજાપતિએ ન આપતાં દિલીપે તેની સાથે ઝઘડો કર્યો હતો. વિવાદ વકરતાં આરોપીએ ભારે વસ્તુથી દિલીપ પર હુમલો કર્યો હતો. માથા, ગરદન, બન્ને આંખ અને હાથ પર ગંભીર ઇજા સાથે દિલીપને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ઘટના બાદ ફરાર પ્રજાપતિની પોલીસે શોધ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પ્રજાપતિ દ્વારકાના ઓખા બંદરે હોવાની માહિતી પોલીસે મેળવી હતી. પ્રજાપતિ એક જહાજમાં સંતાઈને રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઓખા પહોંચેલી પોલીસની ટીમે બંદરે લાંગરેલાં 200થી વધુ જહાજમાં તપાસ કરી આરોપીને તાબામાં લીધો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button