આમચી મુંબઈ

ઉત્તરાખંડમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર રેઇડ: નેપાળ સરહદેથી ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મેફેડ્રોન ડ્રગ્સ જપ્તિના કેસની તપાસ કરનારી થાણે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરાખંડમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર કાર્યવાહી કરી હતી. જોકે ફૅક્ટરીમાંથી કાચો માલ જ મળ્યો હતો, ડ્રગ્સ સગેવગે કરી દેવાયાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. પોલીસની માહિતી મળતાં જ નેપાળ ભાગી રહેલા ત્રણ આરોપીને પોલીસે સરહદેથી પકડી પાડ્યા હતા.

થાણે ક્રાઈમ બ્રાન્ચની યુનિટ પાંચના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ ઓમ જયગોવિંદ ગુપ્તા ઉર્ફે મોનુ, ભીમ સુરેન્દ્ર યાદવ અને અમરકુમાર લક્ષ્મણરામ કોહલી તરીકે થઈ હતી. આરોપી ઓમ અને અમર અગાઉ ઉત્તર પ્રદેશમાં એમડી બનાવવાની ફૅક્ટરી ચલાવતા હતા. ગયા વર્ષે કાસારવડવલી પોલીસે ડ્રગ્સ કેસની તપાસમાં ઉત્તર પ્રદેશની ફૅક્ટરી પર દરોડો પાડ્યો હતો. જોકે તે સમયે બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કર્યા છતાં બન્ને હાથ લાગ્યા નહોતા. આખરે ક્રાઈમ બ્રાન્ચે તેમને પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો: ડોંબિવલીમાં ફ્લેટમાંથી 2.12 કરોડનું મેફેડ્રોનડ્રગ્સ પકડાયું: મહિલા સહિત ત્રણની ધરપકડ…

અધિકારીના જણાવ્યા મુજબ ગયા મહિને થાણે પરિસરમાંથી વિશાલ સિંહ અને મલ્લેશ શેવલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 11 ગ્રામ એમડી મળી આવ્યું હતું. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બન્ને આરોપી ઉત્તરાખંડથી એમડી લાવ્યા હતા.

ઉત્તરાખંડ પહોંચેલી પોલીસની બેમાંથી એક ટીમે પિથોરગઢના મેલતોડા ખાતે એમડી બનાવતી ફૅક્ટરી પર રેઇડ કરી હતી. ફૅક્ટરીમાંથી મશીનરી અને કાચો માલ મળી આવ્યો હતો, પરંતુ ડ્રગ્સ હાથ લાગ્યું નહોતું. વળી, ડ્રગ્સ બનાવવામાં સંડોવાયેલા ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: મુંબઈમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી: પાંચ કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલાની કરી ધરપકડ

પોલીસે ત્રણેયને ટ્રેસ કર્યા હતા. આરોપી નેપાળ જવાની વેતરણમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમે પીછો કરી નેપાળની સરહદે આવેલા ઉત્તર પ્રદેશના ખીરી જિલ્લામાંથી ત્રણેયને તાબામાં લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button