ઉરણમાં એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં સળિયો ફટકાર્યો
મુંબઈ: નવી મુંબઈમાં અક્ષતા મ્હાત્રે અને ઉરણમાં યશશ્રી શિંદેની હત્યાની ઘટનાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યાં જ એકતરફી પ્રેમમાં યુવતીના માથામાં લોખંડનો સળિયો ફટકારી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના ઉરણના ન્હાવે ગામમાં બની હતી. ઘાયલ યુવતીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોઇ ન્હાવા શેવા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
ઉરણના ન્હાવે ગામના પ્રિતમ અરૂણ મ્હાત્રે (28) ગામની યુવતીના એકતરફી પ્રેમ કરતો હતો. બે વર્ષ પૂર્વે તેણે યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે યુવતીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જેનો ગુસ્સો પ્રિતમના મનમાં હતો.
આ પણ વાંચો: આસામની મહિલા ટેટૂ આર્ટિસ્ટની આકોલામાં હત્યા: બોયફ્રેન્ડ ફરાર
શુક્રવારે યુવતી તેની બહેનપણી સાથે માણિકકોટ ખાતે દરિયાકિનારે ફરવા ગઇ હતી ત્યારે પ્રિતમ ત્યાં આવ્યો હતો અને તેણે યુવતીના માથામાં સળિયો ફટકારી દીધો હતો.
હુમલામાં ઘાયલ થયેલી યુવતીને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ન્હાવા શેવા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે આરોપીને આકરી શિક્ષા કરવાની માગણી કરી હતી.