આમચી મુંબઈટોપ ન્યૂઝ

નેતાઓને જાતિવાદી ગણાવી નિતિન ગડકરીએ આપ્યો આવો તર્ક, ચૂંટણીમાં પણ…

અમરાવતીઃ કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, મોટા ભાગે તેમના નિવેદનમાં તર્ક પણ જોવા મળે છે. ફરી એક વાર તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યાં છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, લોકો જાતિવાદી નથી હોતા પરંતુ નેતા પોતાના રાજકીય સ્વાર્થ માટે જાતિવાદી હોય છે. આ નિવેદન થકી તેમણે જાતિવાદ ફેલાવતા નેતાઓ સામે કટાક્ષ કર્યો છે. રાજકીય નેતાઓ સત્તાની લાલચ માટે લોકોમાં જાતિવાદનું ઝેર ઘોળતા હોય છે. નિતિન ગડકરીએ કહ્યું કે, સામાજિક અસમાનતાને ખતમ કરવાની આવશ્યકતા છે, અને જાતિય ભેદભાવને પણ દૂર કરવાની જરૂર છે.

આ પણ વાંચો..ગોખલે બ્રિજ ૧૫મી મે સુધી ખુલ્લો મુકાશે…

જાતિને રાજકીય હથિયાર બનાવતા નેતાઓની નિંદા કરી

અમરાવતીમાં આયોજિત ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં નિતિન ગડકરીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા નિતિન ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા રાજકીય વાટાઘાટોમાં સામાજિક ન્યાયથી હટીને હવે સોદાબાજીનો વિષય બની ગઈ છે. જેના કારણે સામાન્ય લોકો હેરાન થઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ જાતિને રાજકીય હથિયાર બનાવીને સત્તા મેળવવા માંગતા નેતાઓની નિંદા કરી હતી. આ સાથે તર્ક આપ્યો કે, નેતાઓ સામાજિક વિકાસ કરવાને બદલે માત્ર ચૂંટણી જીતવા માટે કૃત્રિમ રીતે લોકોનું જાતિમાં વિભાજન કરે છે.

સાચા નેતૃત્વ માટે કોઈ પોસ્ટર કે જાહેરાતની જરૂર નથીઃ ગડકરી

નિતિન ગડકરીએ કહ્યું કે, સાચા નેતૃત્વ માટે કોઈ પોસ્ટર કે જાહેરાતની જરૂર નથી પડતી. રાજકારણીઓએ પોતાનો પ્રચાર કરવાને બદલે સામાજિક વિકાસનું કામ કરવું જોઈએ. પરંતુ અત્યારે નેતા રાજકીય લાભ માટે તેઓ પોતાના સમુદાયોને વધુ પછાત સાબિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. પોતાના વાત કરતા કહ્યું કે, હું ચૂંટણી લડ્યો અને લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પોતાના શરતો પર જ રાજનીતિ કરીશ. પછી ભલે મત આપે કે ના આપે! હું કોઈ પણ પક્ષપાત કે સોદાબાજી વગર દરેકના વિકાસ માટે કામ કરી રહ્યો છું.

પ્રચાર પાછળ થતાં ખર્ચ પર નિતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું

નેતાઓ પર કટાક્ષ કરવાની સાથે સાથે ચૂંટણીમાં થતા ખર્ચની પણ વાત કરી હતી. કહ્યું કે, ચૂંટણીમાં પ્રચાર માટે વધુ પડતા નાણાં ખર્ચવામાં આવે છે, જેના પણ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. નિતિન ગડકરીએ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો. કહ્યું કે, જ્યારે મેં પ્રધાન તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી અને રસ્તા, આરોગ્યસંભાળ, સ્વચ્છ પીવાનું પાણી અને શાળાઓનો અભાવ જોઈને તેઓ ચોંકી ગયો હતો. આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંની પરિસ્થિતિ જોઈને મને ભારે દુઃખ લાગ્યું હતું.

આ પણ વાંચો..નાગપુર હિંસામાં એક મોતઃ ફડણવીસે નાગપુરની મુલાકાત લીધી અને કહ્યું કે…

હવે સવાલ એ છે કે ગડકરીએ જે કહ્યું તે તેમના પક્ષને પણ એટલું જ લાગુ પડે છે. વિપક્ષો ભાજપને ધર્મ અને જાતિના નામે રાજકારણ કરતા પક્ષ તરીકે લેખાવે છે અને ભાજપ જાહેરાતો પાછળ કરોડો ખર્ચતા હોવાની ટીકા પણ વારંવાર થાય છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગડકરીની આ ટીકાઓ શું સંકેતો આપી રહી છે તે ચર્ચાનો વિષય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button