આમચી મુંબઈ

ઘાટકોપરમાં બેરોજગાર પિતાનું હિચકારું કૃત્ય: ચાર મહિનાની બાળકીને મારી નાખી

ગરીબીને કારણે ત્રીજા સંતાનની ઇચ્છા નહોતી: ઘોડિયાની રસીથી ગળું દબાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઘાટકોપરમાં બનેલી હિચકારી ઘટનામાં બેરોજગાર પિતાએ ચાર મહિનાની બાળકીની ઘોડિયાની રસીથી ગળું દબાવી હત્યા કરી હતી. ગરીબીને કારણે ત્રીજા સંતાનની ઇચ્છા ન હોવા છતાં જન્મેલી બાળકીને મારી નાખી હોવાનો દાવો આરોપીએ કર્યો હતો.

પંતનગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સંજય બાબુ કોકરે (40) તરીકે થઈ હતી. ઘાટકોપર પૂર્વમાં કામરાજ નગર ખાતેની ગલી નંબર-10માં રહેતા આરોપીએ દાવો કર્યો હતો કે ગરીબીને કારણે ત્રીજા સંતાનનું પાલનપોષણ કરવું શક્ય ન હોવાથી તેણે આવું પગલું ભર્યું હતું.

આપણ વાંચો: બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા

પોલીસના જણાવ્યા મુજબ કોકરે બેરોજગાર હતો. ક્યારેક તે હમાલીનાં કામ કરતો હતો. કામરાજ નગરમાં તે પત્ની શૈલા કોકરે (36) અને સંતાનો સાથે રહેતો હતો.

કોકરેને બે પુત્ર છે અને તેને ત્રીજું સંતાન જોઈતું નહોતું. પત્ની ગર્ભવતી હોવાની જાણ થતાં દંપતી ગર્ભપાત માટે હૉસ્પિટલમાં ગયાં હતાં, પરંતુ પાંચ મહિનાનો ગર્ભ હોવાથી કોર્ટની પરવાનગી વિના ગર્ભપાત શક્ય ન હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. પરિણામે ગર્ભપાત થઈ શક્યો નહોતો.

આપણ વાંચો: વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી હત્યાના આરોપસર પ્રેમીની ધરપકડ

શૈલાએ ચાર મહિના અગાઉ પુત્રી શ્રેયાને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદથી કોકરે પત્ની સાથે વારંવાર ઝઘડા કરી તેની મારપીટ કરતો હતો. પત્ની ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

શુક્રવારની રાતે 10 વાગ્યાની આસપાસ પત્ની કામેથી ઘરે આવી ત્યારે બાળકી ઘોડિયામાં સૂતી હતી. શૈલાએ ઉઠાડવાનો પ્રયાસ કર્યા છતાં બાળકીના શરીરમાં કોઈ હલનચલન જણાયું નહોતું. આ બાબતે શૈલાએ પૂછતાં કોકરેએ ઉડાઉ જવાબ આપ્યા હતા.

દંપતી બાળકીને નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયું હતું, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. બાળકીના ગળા પર નિશાન જોઈ ડૉક્ટરને શંકા ગઈ હતી. તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી.

પંતનગર પોલીસે શંકાને આધારે કોકરેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં બહાનાં કાઢનારા કોકરેએ પછી ગુનો કબૂલ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ગરીબીને કારણે તેણે આવું કૃત્ય કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button