ઉદ્ધવની શિવસેનાને હવે હિન્દુત્વ સાથે કોઈ નિસ્બત નથી: ભાજપના નેતાનો દાવો
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)ને હવે હિન્દુત્વ સાથે કોઈ નિસ્બત નથી રહી એવો આરોપ ભારતીય જનતા પક્ષના મહારાષ્ટ્રના ઈનચાર્જ દિનેશ શર્માએ કર્યો હતો. હિન્દુત્વની ખરી રખેવાળી તો ભાજપ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં શ્રી દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ‘2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સહયોગ કરી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે દગો કર્યો હતો. એ સાથે ઉદ્ધવની શિવસેનાનું વલણ બદલાઈ ગયું.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?
ત્યારબાદ એ પક્ષ હિન્દુત્વ તરફી નથી રહ્યો અને રામ મંદિર વિરોધી ભૂમિકા તેણે અપનાવી હતી. શિવસેના (યુબીટી) જે પ્રકારના હિંદુત્વને અનુસરવા માગે છે એ હવે ભાજપ અનુસરે છે.
કોંગ્રેસ સાથે હાથ મેળવનારી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એની સાથે હવે નિસ્બત નથી રહી. આ એ જ કોંગ્રેસ છે જેણે એક સમયે અયોધ્યામાં રામ લલ્લાના અસ્તિત્વને નકાર્યું હતું.