ઉદ્ધવ ઠાકરેનો પીએમ મોદી પર પ્રહાર: PM બનાવવાનો પ્રચાર કર્યો, પણ બદલામાં તો…

મુંબઈ: ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તે માટે પ્રચાર કર્યો હતો, પણ તેમણે જ મારા પક્ષનો નાશ કર્યો છે, એવી ટીકા શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ‘૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે મેં પ્રચાર કર્યો તેનું મને દુ:ખ અને ગુસ્સો છે. બે વખત તેમને સમર્થન આપ્યા બાદ પણ તેઓએ મારા પક્ષના ભાગલાં પાડી નાખ્યા’, એમ ઉદ્ધવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
‘હું ત્યારે કહેતો હતો કે નરેન્દ્ર મોદીએ જ વડા પ્રધાન બનવું જોઇએ અને હવે તેઓ કહી રહ્યા છે કે મારે સમાપ્ત થઇ જવું જોઇએ. લોકોએ આ બે વાત પર ધ્યાન આપવું જોઇએ’, એમ ઉદ્ધવે જણાવ્યું હતું.
આપણ વાચો: BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેની મોટી કાર્યવાહી, 29 બળવાખોર ઉમેદવારની પક્ષમાંથી હકાલપટ્ટી…
મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ભાજપનું ઘણા સમયથી સપનું છે. હવે તેઓ વિચાર કરી રહ્યા છે કે બાળાસાહેબ ઠાકરે રહ્યા નથી તેથી શિવસેનાનું નામ કાગળ પરથી દૂર કરી દેવું જોઇએ, પરંતુ તેઓ એવું કરી શકશે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
બાળાસાહેબ ઠાકરે ૨૦૧૨ સુધી જીવંત હતા ત્યાં સુધી તેઓ (ભાજપ) બહુ સીધા ચાલી રહ્યા હતા એમ જણાવતા તેમણે કહ્યું હતું કે રાજકારણની ગુણવત્તા ખરાબ કરવામાં ઘણાનો હાથ છે, પરંતુ સૌથી વધુ ભાજપને કારણે રાજકારણ ડોહળાયું છે. (પીટીઆઇ)



