BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેની મોટી કાર્યવાહી, 29 બળવાખોર ઉમેદવારની પક્ષમાંથી હકાલપટ્ટી…

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધા જ રાજકીય પક્ષોએ બંડખોરીને ડામવા છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનું સસ્પેન્સ કાયમ રાખ્યું હતું. તેમ છતાં દરેક પક્ષને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજે ઉદ્ધવ ઠાકરેએ પક્ષના 29 બળવાખોર ઉમેદવારો, કે જેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું નહોતું, તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. આ બધા ઉમેદવારોએ વિવિધ પ્રભાગોમાં અપક્ષ ચૂંટણી લડવા ફોર્મ ભર્યાં હતા.
શિવસેનાના બે ફાડચાં થયા બાદ અસલી શિવસેના કઈ? તે સાબિત કરવા દરેક ચૂંટણીમાં બંને જૂથો સતત પ્રયત્નશીલ રહ્યા છે. અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા પર અઢી દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું છે, તેથી આ ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો જંગ છે, પણ ઠાકરે જૂથને લગભગ બધાંજ વોર્ડમાં બળવાખોરીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક સ્તરે જનાધાર ધરાવતા આ ઉમેદવારો જો અપક્ષ તરીકે લડે, તો ઠાકરે જૂથને ચૂંટણીમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બળવો ડાબી દેવા અને યેનકેન પ્રકારેણ તેમને મનાવવા ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા. તેમ છતાં જે બળવાખોરોએ પીછેહઠ નથી કરી, તેવા 29 ઉમેદવારોની ઉદ્ધવ ઠાકરેએ હકાલપટ્ટી કરી છે.
હકાલપટ્ટી કરાયેલા આ ઉમેદવારોમાં માતોશ્રીના આંગણે જ બળવાખોરી કરનારા ચંદ્રશેખર વાયંગણકરનો પણ સમાવેશ થાય છે. આ વોર્ડમાં વિધાનસભ્ય વરુણ સરદેસાઈએ હરિ શાસ્ત્રીને ઉમેદવારી આપી હતી. પણ ચંદ્રશેખર વાયંગણકરને ટિકિટ મળે તે માટે વિધાનસભ્ય અનિલ પરબ ઉત્સુક હતાં. આ બાબત પરબ અને સરદેસાઈ વચ્ચે વિવાદ થયો હતો. વાયંગણકરે પોતાની ઉમેદવારી પછી લીધી નથી.
જેમની હકાલપટ્ટી થઇ છે તેમના નામ
વોર્ડ નં: 74 સંદીપ મોરે, મંદાર મોરે, વોર્ડ નં: 95 ચંદ્રશેખર વાયંગણકર
વોર્ડ નં: 169 કમલાકાર નાઈક, વોર્ડ નં: 170 સોનાલી મ્હાત્રે
વોર્ડ નં: 109 સંગીતા ગોસાવી, વોર્ડ નં: 131 નીતા શીતોલે
વોર્ડ નં: 142 રોહિદાસ ઢેરંગે, વોર્ડ નં: 143 સદાશિવ બાલગુડે, વિરાગ પાવસકર
વોર્ડ નં: 150 વિકી મોરે, વોર્ડ નં:155 નિખિલ ભોઇટે
વોર્ડ નં: 146 આનંદ ઈંગલે, વોર્ડ નં: 147 વિજય નાગાંવકર
વોર્ડ નં: 183 રોહિત ખૈરે, વોર્ડ નં: 186 ગણેશ સોનાવણે, ચેતન સૂર્યવંશી, માધુરી ગાયકવાડ
વોર્ડ નં: 185 કમલેશ વારિયા, વોર્ડ નં:193 બાબુ કોળી
વોર્ડ નં: 197 પરશુરામ (છોટુ) દેસાઈ, વોર્ડ નં: 202 વિજય ઇન્દુલકર
વોર્ડ નં: 207 રોહિત દેશમુખ, વોર્ડ નં: 208 મંગેશ બનસોડ
વોર્ડ નં: 203 દિવ્યા બડવે, વોર્ડ નં: 218 નયન દેહેરકર, આરતી લોણકર
વોર્ડ નં: 225 પ્રવીણ કોલાબકર



