ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહી બોગસ પાર્ટી, હવે આનો ભાગ બની ગઈ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ વધુ ઉગ્ર બન્યો છે. હજી થોડા દિવસ પહેલા જ ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના ગણાવવામાં આવી હતી, જેનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને બોગસ ભારતીય જનતા પાર્ટી કહી હતી.
મરાઠવાડામાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારો માટે પ્રચાર કરતા વખતે ઉદ્ધવે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ પણ હવે કરોડોના આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડનો ભાગ બની ચૂક્યો છે. આમ કહી ઉદ્ધવે કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ પર નિશાન સાધ્યું હતું.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને ઝટકો! ખૂબ જ નજીકના નેતા શિવસેના (યુબીટી) છોડી દેશે?
હિંગોલી ખાતે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર નાગેશ આશિતકર માટે પ્રચાર રેલી સંબોધતા ઉદ્ધવે પોતાની વિરુદ્ધ બળવો કરી શિંદે જૂથમાં જોડાનારા વિધાનસભ્યો વિશે જણાવ્યું હતું કે ચોરોએ ચોરોએ ખરી શિવસેના છીનવી લીધી છે. જોકે, જ્યાં સુધી આ હિસાબ સરભર નહીં કરી લઈએ ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. હિંગોલી બેઠક પર મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઉમેદવાર આશિતકર વિરુદ્ધ એકનાથ શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર બાબુરાવ કદમ કોહાલીકર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધતા ઉદ્ધવે કહ્યું હતું કે મોદી કહે છે કે અમારી શિવસેના નકલી છે, પરંતુ મોદી નથી જાણતા કે ભાજપ હવે બોગસ જનતા પાર્ટી બની ગઇ છે. ખેડૂતોને લોન માફી અંગે વાત કરતા ઉદ્ધવ કહ્યું હતું કે જો મારી સાથે દગો ન થયો હોત તો પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં ખેડૂતોની લોન માફ કરી દીધી હોત.