ઉદય સામંતે રોડ નિર્માણમાં ઘોર બેદરકારી અંગે ગૃહને માહિતી આપી
નાગપુર: મુંબઈમાં રોડ બનાવવાનું કામ શરૂ કરવાનો આદેશ મળવા છતાં કામ શરૂ ન કરનાર કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે, એવી માહિતી શિંદે સરકારના પ્રધાન ઉદય સામંતે શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં આપી હતી.
નાગપુરમાં ચાલી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રમાં સદસ્ય સુનિલ શિંદેએ મુંબઈમાં રોડનું કામ શરૂ ન કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં સામંતે કહ્યું હતું કે ‘રોડવેઝ સોલ્યુશન ઈન્ડિયા ઈન્ફ્રા લિમિટેડ’નો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. મંત્રી ઉદય સામંતે વિધાન પરિષદને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના સિક્યોરિટી મની જપ્ત કરવા અને જમા કરાવવા અને દંડ વસૂલવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના અધિકારક્ષેત્ર હેઠળ સિમેન્ટ કોંક્રીટથી આશરે 397 કિમી લંબાઈના 910 રસ્તાઓ બાંધવા માટે કુલ પાંચ કોન્ટ્રાક્ટરોને જાન્યુઆરી, 2023 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.
પાંચ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટમાં શહેર વિભાગમાં એક કોન્ટ્રાક્ટરને 72 કિમી લંબાઈના 212 રસ્તાઓ, પૂર્વ ઉપનગરોમાં એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા 71 કિમી લંબાઈના 188 રસ્તાઓ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં ત્રણ કોન્ટ્રાક્ટરોને 254 કિમી લંબાઈના 510 રસ્તાઓનો સમાવેશ થાય છે.
જેમાં શહેર વિભાગના કોન્ટ્રાક્ટર ‘મેસર્સ. રોડવેઝ સોલ્યુશન ઈન્ડિયા ઈન્ફ્રા લિમિટેડ’ એ મે 2023 ના અંત સુધીમાં (ચોમાસા પહેલા) લગભગ સાત રસ્તાઓના સમારકામનું કામ કહેવા માટે શરૂ કર્યું હતું અને એક પણ પૂર્ણ થયું નથી. તેથી મંત્રીએ કહ્યું કે કોન્ટ્રાક્ટર ‘મેસર્સ. રોડવેઝ સોલ્યુશન ઈન્ડિયા ઈન્ફ્રા લિમિટેડ’ને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે.