સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા બે યુવક ચેન્નઈમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોબાઈલ ફોન પર લિંક મોકલાવ્યા પછી ફોન હૅક કરીને બૅન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરનારી ટોળકીના બે જણને સાયન પોલીસે ચેન્નઈથી પકડી પાડ્યા હતા. બન્ને આરોપી આવા પ્રકારના સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
સાયન પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ કાર્તિક વિશ્ર્વનાથન અને નંદકુમાર કુમારન તરીકે થઈ હતી. તેમની પાસેથી ગુનામાં વપરાયેલા ચાર મોબાઈલ ફોન, છ મિસ કાર્ડ અને ત્રણ ડેબિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રકરણે સાયનના એક રહેવાસીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે 26 નવેમ્બર, 2024ના રોજ ફરિયાદીના મોબાઈલ ફોન પર એક લિંક આવી હતી.
આપણ વાંચો: હરિયાણા પોલીસે રૂ. 60 લાખના સાયબર ફ્રોડમાં બે સુરતીની ધરપકડ કરી
આ લિંકને ફરિયાદીએ ક્લિક કરતાં સાયબર ઠગે ફરિયાદીનો મોબાઈલ હૅક કર્યો હતો. પછી 30 નવેમ્બરે ફરિયાદી ટ્રેનમાં મુસાફરી કરતો હતો ત્યારે તેના બૅન્ક ખાતામાંથી પાંચ-પાંચ હજાર રૂપિયાના 20 ટ્રાન્ઝેક્શન થયા હતા. આ રીતે ઠગે એક લાખ રૂપિયા ફરિયાદીના બૅન્ક ખાતામાંથી સેરવી લીધા હતા.
તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી તમિળનાડુના ચેન્નઈમાં હોવાની જાણકારી મળી હતી. પોલીસની ટીમે ચેન્નઈ પહોંચી ચાર શકમંદને તાબામાં લીધા હતા. પૂછપરછમાં કાર્તિક અને નંદકુમારની ગુનામાં સંડોવણીની ખાતરી થતાં તેમની ધરપકડ કરાઈ હતી.
આપણ વાંચો: ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારી ટોળકીના ચાર સુરતમાં પકડાયા
આરોપીઓ બૅન્કમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવીને તે ટેલિગ્રામ પર વિદેશી નાગરિકોને ઉપયોગ માટે આપતા હતા અને આ માટે તેમને સારીએવી રકમનું કમિશન મળતું હતું.
આરોપીનાં ત્રણ બૅન્ક ખાતાંની વિગતો તપાસતાં તેની વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, તમિળનાડુ, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી 100થી વધુ ઑનલાઈન ફ્રોડની ફરિયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાયેલી હોવાનું જણાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.