સાયન બ્રિજ પર સ્કૂટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવકનાં મોત
મુંબઈ: સાયન બ્રિજ પર સ્કૂટર અને સ્પોર્ટ્સ બાઈક સામસામે ટકરાતાં થયેલા અકસ્માતમાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ રૉન્ગ સાઈડથી આવેલા સ્કૂટર સાથે પૂરપાટ વેગે દોડતી બાઈક ટકરાઈ હતી, જેમાં સ્કૂટરસવાર એક યુવક બ્રિજ પરથી નીચે ફંગોળાઈ ગયો હતો.
સાયન પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ સાયન બ્રિજ પર બની હતી. સ્કૂટર વિક્રોલીના ટાગોર નગરમાં રહેતો વિજ્ઞેશ સરોદે (20) ચલાવી રહ્યો હતો, જ્યારે અમોલ કુંચીકુર્વે (20) અને અનિમેષ મોરે (23) સ્કૂટર પર પાછળ બેઠા હતા. વિક્રોલીમાં ગણેશ વિસર્જન પછી ત્રણેય જણ ગિરગામ ચોપાટી જઈ રહ્યા હતા.
આપણ વાંચો: WATCH: ગણપતિ વિસર્જન વખતે અચાનક છત તૂટી પડી, 30થી વધુ મહિલા અકસ્માતનો બની શિકાર
કહેવાય છે કે વિજ્ઞેશ રૉન્ગ લેનમાં સ્કૂટર ચલાવી રહ્યો હતો ત્યારે સામેથી ગોવંડી તરફ જઈ રહેલી બાઈક પૂરપાટ વેગે આવી હતી. બાઈક ગોવંડીમાં રહેતો અશફાક અસલમ અન્સારી (28) ચલાવી રહ્યો હતો, જ્યારે મેહંદી શહેનશાહ સૈયદ (30) બાઈક પર પાછળ બેઠો હતો. બન્ને જણ જુમા મસ્જિદથી ગોવંડી જઈ રહ્યા હતા.
સાયન બ્રિજ પર સ્કૂટર અને બાઈક સામસામે ટકરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર બેસેલો અનિમેષ બ્રિજ પરથી ફંગોળાઈને શિવરજની બિલ્ડિંગ પાસે પડ્યો હતો, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા બાઈકસવાર અશફાકનું સાયન હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે મૃત્યુ થયું હતું. સ્કૂટર ચલાવી રહેલા વિજ્ઞેશને પણ અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.