મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્રટનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસીની ધરપકડ કરી હતી.
બંને પ્રવાસી બેંગકોકથી સોમવારે આ કાચબા લાવ્યા હતા. કાચબાઓને લંબચોરસ પ્લાસ્ટિકનાં બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ બોક્સ ટ્રોલી બેગની અંદર ફૂડ પેકેટની વચ્ચે છુપાવવામાં આવ્યાં હતાં. એરપોર્ટ પર બંને પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યા બાદ તેમના સામાનની તલાશી લેવાતાં કાચબા મળી આવ્યા હતા.
આપણ વાંચો: 6 કલાક માટે સદંતર બંધ કરવામાં આવ્યું મુંબઇ એરપોર્ટ
વાઇલ્ડલાઇફ ક્રાઇમ ક્ધટ્રોલ બ્યૂરો, વેસ્ટર્ન રિજન, નવી મુંબઈ દ્વારા આમાંથી આઠ જાપાની પોન્ડ ટર્ટલ (મોરેમિસ જાપોનિકા), ચાર સ્કોર્પિયન મડ ટર્ટલ અથવા રેડ ચીક મડ ટર્ટલ (કિનોસ્ટેરનોન સ્કોર્પિયોડીસ) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. તમામ કાચબા વાઇલ્ડલાઇફ કાયદાના રક્ષણ હેઠળ આવે છે.
કાચબાઓને જપ્ત કરી તેના મૂળ દેશમાં મોકલી આપવા માટે એરલાઇન્સના કર્મચારીને સોંપવામાં આવ્યા હતા, જ્યારે બંને પ્રવાસી વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ 1962 અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1971ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.