એન્ટોપ હિલમાં યુવકની હત્યાના કેસમાં બે મહિને મુખ્ય આરોપી યુપીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દશેરામાં માતાજીની મૂર્તિના વિસર્જન વખતે થયેલા વિવાદમાં ચાકુથી હુમલો કરી યુવકની હત્યા કરવાના કેસમાં ફરાર મુખ્ય આરોપીને એન્ટોપ હિલ પોલીસે બે મહિને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ સલમાન નૌશાદ ખાન (32) તરીકે થઈ હતી. આ કેસમાં અગાઉ ખાનના ત્રણ સાથી આનંદ ફર્નાન્ડિસ ઉર્ફે ફાવડા (46), જોન્સન ફર્નાન્ડિસ (19) અને અરુણ ફર્નાન્ડિસ (29)ની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપી હાલમાં અદાલતી કસ્ટડીમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર દશેરામાં માતાજીની મૂર્તિના વિસર્જન સરઘસમાં એન્ટોપ હિલના ભરણી નાકા ખાતે વડાલામાં રહેતા ફરિયાદી નીલેશ ગુપ્તાના મિત્ર નિત્યાનંદ ઉર્ફે મણિ સાથે આરોપીનો વિવાદ થયો હતો. આ મુદ્દે બીજે દિવસે, 25 ઑક્ટોરની રાતે મણિ સમજીને આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્ર શરદ ચૌધરી પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચૌધરીનું મૃત્યુ થયું હતું, જ્યારે ફરિયાદી ગંભીર રીતે ઘવાયો હતો.
આ પ્રકરણે એન્ટોપ હિલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મુખ્ય આરોપી સલમાન તેનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ઉત્તર પ્રદેશના લખનઊમાં વજીરબાગ ખાતે રહેતાં સગાંને ઘેર સંતાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. યુપી ગયેલી પોલીસની ટીમે સ્થાનિક સાદતગંજ પોલીસની મદદ લીધી હતી. બે મહિને ઝડપાયેલા સલમાનને સ્થાનિક અદાલતમાં હાજર કરાયો હતો. 17 ડિસેમ્બર સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને મુંબઈ લાવવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.